ધંધૂકાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં આમ પણ કાયમી એક પણ ડોકટર નથી. વળી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ પણ નથી. ત્યારે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના નવા ભવનના નિર્માણની ઓથ હેઠળ કોન્ટ્રાકટવાળા 19 કર્મચારીઓ જેમની હજી ત્રણ ચાર માસ પહેલા જ ભરતી કરાઈ હતી.
તેમને છુટા કરવાનું ફ્રમાન આવતા હવે હોસ્પિટલમાં સ્ટાફ્ની ઘટ થતા આરોગ્યની સેવામાં માઠી અસર પડશે. તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ વિસ્તાર અકસ્માત ઝોન છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં એક માત્ર સમ ખાવા પૂરતી આ હોસ્પિટલ જ છે. જેમાં નવિનીકરણ થવાનું છે. જ્યારે તૈયાર થશે ત્યારે 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ બનશે પણ ત્યાં સુધી આ વિસ્તારના આર્થિક પછાત અને સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન આ હોસ્પિટલ પૂરતો સ્ટાફ્ નહીં હોય તો કેવી રીતે આરોગ્ય સેવાઓ આપી શકશે. તે મોટો સવાલ છે.નામ બડે ઓર દર્શન ખોટે જેવો ઘાટ ધંધૂકા સરકારી હોસ્પિટલમાં થયો છે. એક વર્ષ કરતા વધારે સમયથી આ સરકારી હોસ્પિટલને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનો દરજ્જો મળી ગયો છે. પરંતુ જે વ્યવસ્થા હતી. તે સતત ઘટતી રહી છે.
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિ.ના અધિકારી શું કહે છે
હોસ્પિટલ અધિકારી કુંતલ પટેલે આ વિશે જણાવ્યું કે વિભાગીય નિયામક દ્વારા મુલાકાત લીધા બાદ હાલ કરાર આધારિત સ્ટાફ્ વધારે હોઈ હાલ છુટા કરવા નવી હોસ્પિટલ બનતા નવો મંજુર મહેકમ મુજબ નો સ્ટાફ્ અહીં મુકવામા આવશે. હાલ પણ લેબ ટેક્નિશીનયન,10 નર્સ,સ્વીપર સહિત નો સ્ટાફ્ છે અને આરોગ્ય ની સેવા લોકો ને નિરંતર અને સારી મળતી રહેશે સ્ટાફ્ ઘટાડા ની કોઈ આડ અસર પડશે નહિ.
હોસ્પિટલ જ માંદગીના બિછાને પડી હોય તેવી હાલત
સ્થાનિક આગેવાન મુકેશ કોરડિયાના જણાવ્યા મુજબ ધંધૂકા હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો છે. કાયમી ડોકટર એક પણ નથી, સ્ટાફ્ પૂરતો છે નહીં બોન્ડ આધારિત ડોક્ટર 6 છે પણ એક જ ડોકટર હાજર હોય છે. સ્પેશિયાલિસ્ટ એક પણ ડોકટર નથી. મહિલાઓની પ્રસુતિની સંખ્યા સતત ઘટી રહી છે. આ વિસ્તારમાં આરોગ્યની ઉચ્ચકક્ષાની સેવાઓની તાતી જરૂર છે ત્યારે સરકારી હોસ્પિટલ જ માંદગીના બિછાને પડી હોય તેવું લાગી રહ્યું છે.