રાણપુર ફટક નજીક બપોરે ડમ્પરે ધંધૂકાના યુવાનને કચડી નાંખતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ધંધૂકામાં હોમગાર્ડ તરીકે અને કૃરિયર સર્વિસમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજાને બેફમ રીતે દોડતા ડમ્પરે કચડી નાંખતા મોત થયું હતું. અકસ્માતની ઘટનાને લઈ ધંધૂકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ધંધુકા રાણપુર ફટક નજીક અકસ્માતની જાણ થતાં 108ના પાયલોટ વનરાજસિંહ અને ઇએમટી નરેન્દ્ર પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ આ યુવાન ડમ્પરમાં કચડાવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બેફમ દોડતા ડમ્પરો સામે આક્રોશ ઠાલવતા નજરે પડયા હતા. યુવાનના પરિજનો પર આભ તૂટી પડયું હોય અને કરુણ આક્રંદ કરી રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે ડમ્પરને જપ્ત કરી લીધું છે. જ્યારે અકસ્માત કરી ડમ્પરનો ચાલક ફ્રાર થઇ ગયો છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો. અહીં મોટીસંખ્યામાં પરિજનો અને મિત્રોના વિલાપથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
કાળ બની ગયેલાં ડમ્પરો સામે આખરે ક્યારે કાર્યવાહી થશે ?
ધંધૂકા પંથકમાં ખનીજની હેરાફેરી કરતા અનેક ડમ્પર દરરોજ મોટી સંખ્યામાં દોડી રહ્યા છે. તેમાં પણ ધોલેરા વિસ્તારમાં થઈ રહેલા વિકાસમાં મોટા પ્રમાણમાં માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્થાનિક ડમ્પર સિવાય બહારના પણ સંખ્યાબંધ ડમ્પર માર્ગો પર બેફમ રીતે દોડી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ડમ્પરોએ અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે. ત્યારે લોકોમાંથી ઉઠેલા સવાલો મુજબ શું આ બધા ડમ્પરો આરટીઓના નિયમ મુજબ ચાલી રહ્યા છે, શું ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર પરિવહન કરી રહ્યાં છે, શું પોલીસ તંત્ર ને નિયમોનો છડે ચોક ભંગ કરી દોડી રહેલા ડમ્પરો દેખાતા નથી.