કચ્છ: શિયાળો આવે એટલે શિયાળાનો કિંગ અડદિયા યાદ આવે જ. સામાન્ય રીતે લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓનો સ્વાદ માણતા હોય છે. પરંતુ અડદિયાએ ગુજરાતીઓની લોકપ્રિય શિયાળુ વાનગી છે. જે અડદની દાળમાંથી બનતું હોય છે. આ મીઠાઈમાં ઘણાં ડ્રાયફ્રૂટ્સ અને 48 જેટલા વિવિધ પ્રકારના તેજાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે. આની અંદર ગરમ મસાલા અને તેજાના હોવાથી તે આખા વર્ષ માટે શરીરને તાકાત પૂરી પાડે છે.
તબીબો પણ શિયાળામાં અડદિયા ખાવાની આપે છે સલાહ
શિયાળામાં ખવાતા કચ્છી અડદિયા વિશ્વભરમાં પ્રખ્યાત છે. અડદિયા આમ તો મીઠાઈમાં લેખાય છે, પરંતુ શક્તિવર્ધક વસાણામાં પણ તેનો સમાવેશ થાય છે. અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે. જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ. એટલું જ નહીં, તબીબો પણ શિયાળામાં અડદિયા ખાવાની સલાહ આપે છે.
કચ્છમાં 10 વર્ષથી અડદિયાનું વેચાણ કરે છે જૈન યુવક મંડળ
માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષથી જૈન યુવક મંડળ કચ્છમાં સ્વાદિષ્ટ કચ્છી અડદિયા બનાવી રહ્યાં છે. જૈન યુવક મંડળના કચ્છી અડદિયાની વાત કરીએ તો, ભચાઉ અને આજુબાજુ વિસ્તારમાં કુલ 11 જેટલાં સ્ટોલ આવેલા છે. 11 જેટલાં સ્ટોલમાં શુદ્ધ દેશી ઘીના અડદિયા વેચાઈ રહ્યાં છે. આ દપકાનો ચલાવતા અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, તેમનાં અડદિયા મુંબઈ, સુરત, બેંગલોર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં અડદિયાની ખૂબ જ માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દરરોજ 35થી 40 કિલો અડદિયાનો વેચાણ થઈ રહ્યું છે.
48 જાતના મસાલાઓથી તૈયાર થતા અડદિયા
જૈન યુવક મંડળના અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન કચ્છમાં વધારે ઠંડી હોય છે. વધારે ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે લોકો અડદિયા વધુ માત્રામાં ખાતા હોય છે. જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. વધુમાં તેઓ જણાવે છે. અડદિયામાં સારી માત્રામાં પ્રોટીન મળે છે. કારણ કે, તે અડદની દાળથી બને છે. જે પ્રોટીનથી ભરપૂર છે. અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. અડદિયા બનાવવા માટે દેશી ઘી, ગુંદ, દૂધ, ડ્રાયફ્રૂટ ઉપરાંત 48 જાતના મસાલાઓ પણ ઉમેરવામાં આવે છે. જેથી શિયાળાની ઠંડીમાં તે શરીરને ગરમાવો આપે છે.
આ વર્ષે અડદિયાનો ભાવ
અડદિયાના ભાવની વાત કરીએ તો, હાલમાં કચ્છમાં અડદિયાના ભાવ રૂ. 520 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે. વિવિધ મસાલાથી ભરપુર અડદિયાનો ઓરીજનલ સ્વાદ તમને કચ્છની બહાર ક્યાંય નહીં મળે. તેના સ્વાદને કારણે જ માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતમાં તે પ્રખ્યાત છે.
વિદેશમાં પણ કચ્છી અડદિયાની માંગ
મહત્વનું છે કે, કચ્છના અડદિયા ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા, અમેરિકા, લંડન જેવા દેશોમાં પહોંચે છે. ત્યાંના કચ્છી લોકો અડદિયાની રાહ જોતા હોય છે. વિદેશમાં અમુક સ્થળોએ ખૂબ ઠંડી રહેતી હોય છે, ત્યાં અડદિયા ખાઈને લોકોને ગરમી મળતી હોય છે. અડદિયામાં એક ઇનગ્રીડેન્ટ તરીકે ખસખસનો પણ ઉપયોગ થાય છે, જેના પર અમુક દેશોમાં પ્રતિબંધ છે. આથી કચ્છની આ પ્રખ્યાત મીઠાઈ તેવા દેશોમાં એક્સપોર્ટ કરી શકાતી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર