કેન્દ્ર સરકાર દેશમાં છેલ્લા ઘણા સમયથી સૌર ઊર્જાને પ્રાધાન્ય આપી રહી છે અને આ અંતર્ગત મોદી સરકાર કેટલીક યોજનાઓ પણ ચલાવી રહી છે. આવામાં ગુજરાતમાં પણ સૌર ઊર્જા ને લઈને લઈ સારી એવી સફળતા રાજ્ય સરકારને મળી રહી છે. પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ બન્યું છે. બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.
ઓક્ટોબર 2022માં મોઢેરાને ભારનું રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરાયુ હતું. પ્રતિષ્ઠિત મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામીણ ઘરો પર સોલાર રૂફટોપ્સ સ્થાપિત થયા છે. જેનાથી વીજળી બિલમાં 60-100% સુધી બચત થાય છે. ત્યારે મોઢેરા બાદ મસાલી રાજ્યનું બીજું સોલાર વિલેજ બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઢેરામાં સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,“મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
દેશમાં સૌરઉર્જા થકી વીજ ઉત્પાદનને પ્રાધાન્ય
દેશ આખામાં પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં આવેલી છે. જેનો ફાયદો દેશના કોઈ પણ ખુણાના લોકો લઈ શકે છે. ત્યારે પાકિસ્તાન બોર્ડરથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલ મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનવાનું બહુમાન મળ્યું છે. અહીં 800ની વસ્તી ધરાવતાં ગામમાં 119 ઘરના રૂફ ટોપથી 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, સુઈગામ તાલુકાના મસાલી ગામમાં કુલ 800 લોકોની વસ્તી છે અને આ ગામ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફ ટોપ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અન્ય વ્યક્તિને અડતા જ કરંટ કેમ લાગે છે? આ કોઈ જાદુ છે કે વિજ્ઞાન
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના સબસિડી
કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલોવોટથી 2 કિલો વોટ સુધી 30,000 અને 2 કિલો વોટથી 3 કિલો વોટ સુધી 1,8000 રૂપિયા તથા 3 કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે.
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ કોણ લઇ શકે?
- ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ઘરની માલિકી અને સોલાર પેનલ લગાવવા માટે વ્યવસ્થિત અને ટકાઉ છત હોવી જોઈએ.
- વેલિડ વીજ કનેક્શન હોવું જોઈએ.
- અગાઉ સોલાર પેનલ માટે કોઇ સબસિડી મેળવેલી હોવી ન જોઈએ.
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના માટે કઈ રીતે અપ્લાય કરવું?
- સૌપ્રથમ કેન્દ્ર સરકારના પોર્ટલ https://pmsuryaghar.gov.in/ પર જઈને રાજ્ય અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની સિલેક્ટ કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને વીજ ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો નાખવાની રહેશે.
- ગ્રાહક નંબર અને મોબાઈલ નંબરથી લોગ-ઇન કર્યા બાદ ફોર્મ અનુસાર રૂફટોપ સોલાર માટે અપ્લાય કરવું.
- એક વખત મંજૂરી મળી ગયા બાદ કોઇ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવો.
- પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ પ્લાન્ટની વિગતો નાખીને નેટ મીટર માટે અપ્લાય કરવું.
- નેટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ અને DISCOM (ડિસ્ટ્રિબ્યુશન કંપની) દ્વારા ઈન્સ્પેક્શન થઈ ગયા બાદ પોર્ટલ પરથી એક કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ થશે.
- આ સર્ટિફિકેટ મેળવી લીધા બાદ પોર્ટલ પર બેન્ક અકાઉન્ટની વિગતો અને કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે.
- ત્યારબાદ 30 દિવસમાં બેન્ક ખાતામાં સબસિડીની રકમ મળી જશે.