- ચારોડીયામાં વિક્રમ સંવત 1406માં થયું હતું વાવનું બાંધકામ
- બન્ને વાવ એક જ દાતાએ બનાવી હોવાના મુદ્દે ચાલતી તપાસ
- દેવળિયા ગામેથી ટીમ તપાસ કરવા માટે ચારોડિયા પહોંચી
અમરેલીના દેવળિયા ગામે જમીનમાંથી પ્રાચીન વાવ અને શિવમંદિરનું બાંકામ મળી આવ્યા બાદ તે વાવ ક્યારે અને કોણે બનાવી હતી તેની તપાસ ચાલી રહી છે એ વચ્ચે ગારિયાધાર પાસે એક ગામમાં આ જ ડિઝાઈનની એક 672 વર્ષ જૂની પ્રાચીન વાવ મળી આવતા ટીમ ત્યાં તપાસ માટે પહોચી હતી.
આ અંગેની વિગતો આપતા અમરેલીના ચક્કરગઢ પાસે આવેલા દેવળિયા ગામના સરપંચ ભાવનાબેન સુખડીયાએ જણાવ્યું કે, ગામમાંથી જમીનની અદર 3 માળનું બાંધકામ ધરાવતી પ્રાચીન વાવ અને 28 ફૂટ ઊંડેથી શિવમંદિર મળી આવ્યા બાદ આ વાવ કોણે અને ક્યારે બંધાવી હશે તેની તપાસ ચાલી રહી છે પણ હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. આ વાવમાંથી હજુ સુધી કોઈ તખતી મળી નથી. કદાચ તે મળી આવે કે નષ્ટ થઈ ગઈ હોય તેવી શક્યતા છે.
દરમિયાન કોઈ મુસાફરો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે દેવળિયા અને ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ચારોડીયા ગામે એક બ્રાહ્મણ પરિવાર દ્વારા એક જ સરખી બે વાવ બંધાવવામાં આવેલી છે. જેથી તપાસ માટે દેવળિયા ગામથી ટીમ ચારોડીયા ગામે પહોચી હતી અને ત્યાં આવેલી વાવનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં આવેલી વાવ વિક્રમ સંવત 1406માં પાલેવાલ બ્રાહ્મણ નરસિંગ દ્વારા બનાવવામાં આવેલી છે અને દેવળિયા ગામની વાવ તથા આ ગામની વાવ બન્ને લગભગ એક સરખી જ છે પણ દેવળિયામાં શિવમંદિર છે જ્યારે આ વાવમાં શિવમંદિર નથી. જેથી આ વાવ અને ચારોડીયા ગામે આવેલી વાવ વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ તે અંગે દેવળિયા ગામના લોકોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેવળીયા ગામના લોકો દ્વારા આ વાવ બંધાવનાર લોકોના વારસ પરિવારજનોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે અને તેઓ મુંબઇ રહેતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જુઓ વિડીયો….