Gajendra Singh Parmar Rape Case: ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની કથિત ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને કલીનચિટ્ આપવા મામલે પીડિતા મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે જસ્ટિસ નિરલ આર.મહેતાએ ધારાસભ્યને બચાવવાના પોલીસ અને સરકારના થઇ રહેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ પોલીસનો ઉધડો લીધો
હાઇકોર્ટે સરકારપક્ષ અને પોલીસનો રીતસરનો ઉધડો લેતાં જણાવ્યું કે, મહિલા બ્લેકમેઇલ કરી રહી હોવાના બહાને તમે ધારાસભ્યનો બચાવ કરો છો..? વળી, દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી..? અને ફરિયાદ પહેલા તપાસ કેવી રીતે થઈ શકે..?
એફઆઈઆર પહેલાં કાઈ રીતે તપાસ કરી?
હાઇકોર્ટે રાજય સરકારનો જોરદાર ઉધડો લેતાં જણાવ્યું કે, દુષ્કર્મના આવા ગંભીર કેસમાં પોલીસે સૌપ્રથમ તો, સુપ્રીમકોર્ટના લલિતાકુમારીના કેસમાં અપાયેલા ચુકાદા મુજબ, સીધી એફઆઈઆર જ દાખલ કરવી પડે. તેમ કરવાને બદલે પોલીસે ઉલ્ટાનું એફઆઈઆર પહેલાં તપાસ કરી ઇન્કવાયરી બાદ ધારાસભ્યને કલીનચિટ્ પણ આપી દીધી. ધારાસભ્યને બચાવવા માટે એફઆઇઆર પહેલાં તપાસ કેવી રીતે થઈ શકે…? હાઇકોર્ટે આ સમગ્ર મામલે સોમવારે જવાબ રજૂ કરવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.
કેસના બદલે મહિલાના અંગત જીવનની તપાસ
જસ્ટિસ નિરલ આર. મહેતાએ સરકાર અને પોલીસને ચાબખા મારતાં જણાવ્યું કે, છેતરપીંડી અને વિશ્વાસઘાતના બનાવમાં પોલીસ પહેલા તપાસ કરે એ સમજી શકાય પરંતુ દુષ્કર્મના કેસમાં પોલીસ પહેલા તપાસ કરી શકે..? વળી, પોલીસે આ કેસમાં ગુનાની તપાસ કરવાના બદલે મહિલાના અંગત જીવનની તપાસ કરી છે.
આ કેસમાં સરકારપક્ષ તરફથી બચાવ
સરકારપક્ષ તરફથી બચાવ કરતાં જણાવાયું કે, મહિલાને તપાસના કામે નિવેદન માટે ચાર વખત બોલાવાઈ હતી પરંતુ સમાધાનની વાતો ચાલતી હોવાથી તે પોલીસ સમક્ષ હાજર થઈ નહોતી. એ પછી મહિલાએ એફિડેવીટ આપી હતી કે, તેને આ કેસમાં સમાધાન થઇ ગયુ છે અને આગળ વધવુ નથી. જો કે, એક વર્ષ બાદ હવે તે ફરિયાદ કરવાનું કહે છે. મહિલા દ્વારા બ્લેકમેઇલીંગનો આ ત્રીજો પ્રયાસ છે.
મહિલાએ બ્લેકમેઇલ કરવા ફરિયાદ કરી
જો કે, હાઇકોર્ટે પોલીસની વર્તણૂંકની જોરદાર ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, દુષ્કર્મના કેસમાં પ્રાથમિક તપાસ અને ત્રણથી ચાર વખત નિવેદન માટે પોલીસે કેમ બોલાવી…? તે કંઈક અજુગતી બાબત જણાય છે. તપાસના અંતે ખુદ પોલીસ જ એક મહિલાની ફરિયાદ નોંધવાને બદલે તેના ચારિત્ર્યહનનને લઈ આક્ષેપ કરાય છે કે, મહિલાએ બ્લેકમેઇલ કરવા ફરિયાદ કરી છે.
શું છે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામેનો વિવાદીત કેસ…?
પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં આપી એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી નહી. ઉલ્ટાનું પોલીસે તેની રીતે બારોબાર આ પ્રકરણમાં તપાસ કરી ધારાસભ્યને કલીનચિટ્ આપી મહિલા બ્લેકમેઈલ કરી રહી હોવાનો રિપોર્ટ આપ્યો હતો.