દાહોદ: ગઇકાલે રાજ્યની 25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું, ત્યારે હવે મતદાનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરીંગની ઘટના સામે આવી છે. સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM કેપ્ચર કર્યું હોવાની વાત સામે આવી રહી છે. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ કરી હતી.
વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું હતું. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા હતા. ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. EVM પોતાના સાથે લઇ જવાની પણ વાત કરી હતી. વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો:
પરશોત્તમ રૂપાલાની માફી અંગે ક્ષત્રિયોનો પલટવાર, ‘સમાજને ઉશ્કેરવા માટે અનેક પ્રયત્નો થયા છે’
કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડની ફરિયાદના પગલે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે. ચૂંટણીના નિયમના ભંગ બદલ કાર્યવાહી કરાશે. આ મામલે પોલીસ દ્વારા વિજય ભાભોરની પૂછપરછ કરાઇ રહી છે.
સાથે જ વીડિયોમાં જોઇ શકાય છે કે, મત આપવા આવેલા લોકોને માત્ર સહી કરી પાછા વાળી દેવામાં આવ્યા હતા અને હું મત નાંખી દઇશ તેવા ઉચ્ચારણો પણ સાંભળવા મળી રહ્યા છે. પોલીસે વિજય ભાભોરની પૂછપરછ શરૂ કરી છે. હવે જોવાનું રહ્યું કે ફરિયાદ ક્યારે નોંધાશે.
વિજય ભાભોર, રમેશ ભાભોરનો પુત્ર છે. તેઓ સંતરામપુર તાલુક પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પુત્ર વિજય ભાભોરે આ બૂથ બાનમાં લીધું હતું.
બીજી બાજુ, સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થઇ રહ્યા છે. મતદાન કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને આર્મીના જવાનો બંદોબસ્તમાં ઊભેલા હોય છે, ત્યારે વિજય ભાભોર કેવી રીતે બૂથમાં ઘૂસી ગયો અને આખું બૂથ કેપ્ચર કર્યું? પોલીસ ક્યાં હતી અને કેમ તેને રોકવામાં આવ્યો નહીં? તે પ્રકારના ગંભીર સવાલો પણ ઊભા થઇ રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર