- દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
- જિલ્લાની 6 બેઠકોમાં સૌથી વધુ મતદાન લીમખેડા બેઠક પર 65.20%
- સૌથી ઓછું મતદાન ગરબાડા બેઠક પર 48.10% નોંધાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. દાહોદ જિલ્લામાં અમુક સ્થળોએ EVM ખોટવાયાની ઘટનાઓ બની હતી. જેના કારણે મતદારો પરેશાન થયા હતા. તો ક્યાંક બોગસ વોટિંગ અંગે માથાકુટ પણ થઈ હતી. અમુક ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. લોકશાહીના આ પર્વમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે દાહોદ જિલ્લામાં સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.80% મતદાન નોંધાયું હતું. દાહોદ જિલ્લાની 6 બેઠકોમાં સૌથી વધુ મતદાન લીમખેડા બેઠક પર 65.20% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ગરબાડા બેઠક પર 48.10% નોંધાયું હતું. જિલ્લાની 6 બેઠકો પર આ મુજબ સરેરાશ મતદાન નોંધાયું હતું.
બેઠક | સરેરાશ મતદાન |
દાહોદ | 56.25% |
દેવગઢબારિયા | 60.48% |
ફતેપુરા | 52.08% |
ગરબાડા | 48.10% |
ઝાલોદ | 54.54% |
લીમખેડા | 65.20% |
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો. જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર આજે મતદારોએ મતદાન કર્યું હતું. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જિલ્લાની 6 વિધાનસભા બેઠક માટે 1155 જગ્યાએ 1662 મતદાન મથક ઉભા કરવામા આવ્યા હતા. સમગ્ર ચુંટણી પ્રક્રિયા માટે 9140 પોલીસ જવાનો અને 57 જેટલી CAPFની કંપનીના જવાનો ફરજમાં જોડાયા હતા.
ફતેપુરાના મારગાળામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
દાહોદ જિલ્લાના ફતેપુરાના મારગાળામાં બોગસ વોટિંગ અંગે માથાકુટ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ બબાલમાં એક યુવકને છરી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
દાહોદમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.17% મતદાન નોંધાયું
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં દાહોદમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.17% મતદાન નોંધાયું છે. દાહોદમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે કર્યું મતદાન
દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે દાસા ગામમાં મતદાન કર્યું છે. સાંસદ જસવંતસિંહે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. લોકોને મતદાન કરવા અપીલ કરી હતી સાથે જ જંગી બહુમતી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાહોદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ નિનામાએ મતદાન કર્યું
બીજા તબક્કાના મતદાનને પગલે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કરવા વહેલી સવારથી લોકોએ મતદાન મથક ઉપર લાઈનો લગાડી હતી. દાહોદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ નિનામાએ પણ મતદાન કર્યું છે.
દેવગઢબારીયાના ફૂલપુરામાં EVM ખોટકાયું
દાહોદમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થતાંની સાથે જ EVM ખોટવાયું છે. દેવગઢબારીયાના સેવાલીયાના ફૂલપુરાની પ્રાથમિક શાળામાં બુથ નં.187નું EVM ખોટવાયું છે.
પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડે પીપેરો ખાતે મતદાન કર્યું
બીજા તબક્કાના મતદાનને પગલે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કરવા વહેલી સવારથી લોકોએ મતદાન મથક ઉપર લાઈનો લગાડી છે. દેવગઢબારીયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડે પીપેરો ખાતે મતદાન કર્યું છે.