દાહોદઃ રાજ્યમાં ઘણા જિલ્લામાં બાળ તસ્કરી થાય છે. ત્યારે દાહોદમાંથી બાળતોને ઉઠાવતા પતિ-પત્ની ઝડપાયા છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદની બી-ડિવિઝન પોલીસે બાળ તસ્કરી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. આ બંનેએ રાજસ્થાન અને દિલ્હીમાંથી 3 બાળકોની તસ્કરી કરી હોવાનું જણાવ્યું હતું. તેઓ બાળકોને ઉપાડીને તેમની પાસે ભીખ મંગાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ આંતરરાજ્ય બાળ તસ્કરી કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ
વરસાદી પાણી ઓસરતા યુરિયા ખાતરની જરૂર, ખેડૂતોની લાઈનો લાગી!
આ મામલે દાહોદના પોલીસ કમિશનર રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, ‘આંતરરાજ્ય બાળ તસ્કરીનો મામલો ધ્યાને આવ્યો છે. અમને બાતમી મળી હતી કે, અમુક લોકો ફરે છે જે બાળકોને કિડનેપ કરી ભીખ મંગાવે છે. આ ગેંગ આંતરરાજ્ય કામ કરે છે. ત્યારબાદ અમે જિલ્લાની તમામ ટીમને એલર્ટ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દાહોદની બી-ડિવિઝનની ટીમે શંકાસ્પદ લાગતા પુરુષ-મહિલા સહિત ત્રણ બાળકોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.’
ગિરનારના આહ્લલાદક દૃશ્યો
પોલીસે જણાવ્યુ હતુ કે, ‘આરોપીનું નામ નરેન્દ્રસિંઘ રાવત મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને તેની પત્ની ગીતા ઉર્ફે નસીમા મુજિબુર રહેમાન છે. જે ત્રણ વર્ષની બાળકી છે તે નોર્થ ઇસ્ટ-નેપાળ બાજુની હોવાનું સામે આવ્યું છે. આશરે અઢી વર્ષ પહેલાં તેને દિલ્હી ઉઠાવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ એક બાળકને રાજસ્થાનના કોઈ ગામમાંથી કિડનેપ કરવામાં આવ્યો હતો. તેના માતા-પિતાના નામ મળી ગયા છે. જ્યારે અન્ય એક બાળકીને પણ રાજસ્થાનમાંથી જ કિડનેપ કરવામાં આવી છે. તેના પણ સીસીટીવી હાથ લાગ્યા છે. તો હાલ આ તમામ મામલે આગળની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ ગેંગ બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવે છે અને સતત ફરતી રહે છે. આ બંને આરોપી બાળકો સાથે દાહોદથી અમદાવાદ માટે રવાના થવાના હતા ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર