કોટડાસાંગાણી નજીક નવી ખોખરી ગામની સીમમાં દરોડો
દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત નવ શખ્સોની શોધખોળ ઃ કુલ રૂા. ૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ: કોટડાસાંગાણી નજીક માણેકવાડા ગામથી આગળ નવી ખોખરી ગામની સીમમાં બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂના કટીંગ સમયે દરોડો પાડી રૂા.૧૨.૪૭ લાખની કિંમતનાં દારૂની ૧૫૧૨ બોટલ સહીત કુલ રૂા. ૩૧.૦૮ લાખનો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને પકડી લઈ પુછપરછ શરૂ કરી છે.
ધરપકડ કરાયેલામાં વિજયસિંહ ઉર્ફે રવી રાજસિંહ ચંદુભા જાડેજા (રહે, માણેકવાડા), હરદીપસિંહ બહાદુરસિંહ ગોહીલ (રહે, રામપર, તાલુકો વલ્ભીપુર હાલ માણેકવાડા) અને સત્યન્દ્રસિંહ ગમેરસિંહ સેકતાવત (રહે, અંગોરા, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. જયારે ફરાર દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરનાર અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા, દારૂનો જથ્થો લેવા આવનાર જયપાલસિંહ દીગુભા જાડેજા (રહે, હડમતીયા), દારૂ મોકલનાર કરણસિંહ રાઠોડ (રહે, અમદાવાદ, મુળ રાજસ્થાન), દારૂનાં જથ્થાની હેરફેર કરનાર નવઘણ વેરસી ભરવાડ, સુખા નાગજી ભરવાડ (રહે, બન્ને માણેકવાડા), કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ (રહે, રાજસ્થાન) અને ત્રણ અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
માણેકવાડા ગામથી આગળ નવી ખોખરી ગામની સીમમાં ફોરેસ્ટની વીડીની પાસે પડતર ખેતરમાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વિ. ઓડેદરા સહિતનાં સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં અમુક શખ્સો પોલીસને જોઈને ભાગી ગયા હતાં. જયારે વિજયસિંહ જાડેજા, હરદીપસિંહ ગોહીલ અને સત્યન્દ્રસિંહ શેકતાવતને પકડી લઈ રૂા.૧૨.૪૭ લાખની કિંમતની દારૂની ૧૫૧૨ બોટલ, પાંચ વાહનો, ત્રણ ફોન અને રોકડ સહિત રૂા. ૩૧.૦૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, મુખ્ય સુત્રધાર અજયસિંહ ઉર્ફે ઘનુભાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. અને કરણસિંહ રાઠોડે આ જથ્થો મોકલ્યો હતો. જયપાલસિંહ દારૂનો જથ્થો લેવા આવ્યો હતો. નવઘણ, સુખા અને કેસરીસિંહ દારૂનો જથ્થો હેરફેર કરનાર શ્રમીકો છે. હાલ આ મામલે વધુ તપાસ જારી રખાઈ છે.