- 28 માર્ચથી 1લી એપ્રિલ પાંચ દિવસ સુધી ખેતીવાડી બજાર બંધ રહેશે
- હોળી-ધુળેટીમાં વતન ગયેલા મજુરો પરત ફર્યા બાદ ઘઉં વાઢવાનું ફરી શરૂ થશે
- આગામી 28મીથી 1 લી એપ્રિલ એમ પાંચ દિવસ સુધી દહેગામ ખેતીવાડી બજાર બંધ
દહેગામ ખેતીવાડી બજારમાં માત્ર છ દિવસમાં જ 21 હજાર બોરી ઘઉં તથા એરંડાની આવક થઇ છે. ઉનાળાની શરુઆત પહેલા જ ખેડૂતોએ ઘઉંનો પાક લણી લીધો છે. દરમિયાન માર્ચ એન્ડીંગ હોય આગામી 28મીથી 1 લી એપ્રિલ એમ પાંચ દિવસ સુધી દહેગામ ખેતીવાડી બજાર બંધ રહેશે. જેથી આ દિવસો પુર્વે જ ખેડૂતોએ પોતાની જણસ વેચીને રોકડી કરી લેવા માર્કેટ તરફ દોડ લગાવી છે.
દહેગામ ખેતીવાડી બજારમાં ઘઉંની દૈનિક 2 હજાર બોરી આવક થઇ રહી છે. જોકે હાલ તુંરત હોળી ધુળેટીના તહેવારમાં મજુરો વતન ગયા હોય ઘઉ વાઢવાની કામગીરી મોટાભાગે બંધ છે. હોળી પર્વ બાદ ઘઉંની લણણી શરુ થતા બજારમાં પ્રતિવર્ષ દૈનિક 200થી 300 ટ્રેક્રોની આવક જોવા મળે તેવી શક્યતા છે. હાલમાં દહેગામ ખેતીવાડી બજારમાં ઘઉંનો પ્રતિમણનો ભાવ 465 થી 590 સુધી બોલાઇ રહ્યો છે. આ સિવાય એરંડાનો ભાવ 1164 થી 1168 સુધી બોલાયો હતો. એરંડાની 9 હજાર બોરી છ દિવસમાં ખેડૂતોએ બજારમાં વેચી હતી. આ ઉપરાંત ચિલોડા સબ માર્કેટયાર્ડમાં પણ ધીમીધારે ઘઉંની આવક શરુ થઇ હોવાની વિગતો છે. જોકે ચિલોડા પંથકમાં આ વર્ષે હવામાનની અસરને લઇને ઘઉના ઉત્પાદન ઉપર અસર થઇ છે.