- ડમ્પરો અને બટાટાના જથ્થા ભરેલા વાહનોની લાઈનો લાગી
- ખરીદી માટે આવેલા નાગરિકો કંટાળી ગયા
- રોડની બંને બાજુ દુકાનો હોવાથી માર્ગ આખો દિવસ ધમધમતો રહે
દહેગામથી મોડાસા જતા રોડ ઉપર શહેરની વચ્ચોવચ્ચ શુક્રવારે ભારે ટ્રાફીક રહ્યો હતો. ડમ્પરો અને બટાટાનો જથ્થો ભરીને જતા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ભર બપોરે ડમ્પરોની લાંબી કતારોથી શહેરના બંને છેડા ટ્રાફીકમય જોવા મળ્યા હતા.
અહીં પહેલાંથી જ માર્ગ સાંકડો હોવાથી તેમજ રોડની બંને બાજુ દુકાનો હોવાથી માર્ગ આખો દિવસ ધમધમતો રહે છે. નાના વાહનોને નીકળવું મુશ્કેલ બન્યું હતું. દહેગામ એસટી ચોકી સામે આવેલી ચોકડી ઉપર વાહનોને અકસ્માત થવાની ભારે દહેશત રહે છે. ચોકડી પાસે સર્કલના અભાવે કોઇપણ વાહન ગમે તે રસ્તાથી એકબીજાની સામે આવી જાય છે. જેથી સામસામે વાહનો ટકરાવાની સંભાવના રહે છે. બજારમાં ખરીદી કરવા તેમજ શાકભાજી વેચવા માટે આવતા સામાન્ય નાગરીકો કંટાળી ગયા હતા. વર્ષોથી આ સમસ્યાનો હલ લાવવાની માંગ થઇ રહી છે. પરંતુ શહેરની ફરતે હાલમાં બાયપાસ રીંગરોડનુ કામ પ્રગતિમાં છે. જે બન્યા બાદ સંભવતઃ ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે તો શહેરના અંદરથી પસાર થતા માર્ગ ઉપર ટ્રાફીકજામનું ભારણ ઘટવાની આશા બંધાઇ છે.