- કુખ્યાત બુટલેગરના સગીર પુત્રે પંડાલમાં આતંક મચાવ્યો
- એક શખ્સે બેફામ કાર ચલાવી પંડાલનો મંડપ તોડી નાખ્યો
- બંને પક્ષે હથિયારોનો છુટથી ઉપયોગ કર્યો હતો
દહેગામમાં અનંત ચૌદશની પુર્વ રાત હિંસક બની હતી. દહેગામ સરદાર શોપીંગ સેન્ટર પાસે ગતરાત્રે ગણેશ પંડાલમાં ડાયરાના પ્રસંગ દરમિયાન બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ બનાવમાં બંને પક્ષે હથિયારોનો છુટથી ઉપયોગ કર્યો હતો. ઉશ્કેરાયેલા એક શખસે બેફામ ગાડી હંકારી પંડાલ પાસે ઉભેલા લોકો પર ચડાવી દીધી હતી. તેણે ગણેશ પંડાલમાં ગાડી ઘુસાડી મંડપ પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ હતું. દસેક મિનીટ સુધી આ આતંક રહ્યો હતો. લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. બંને પક્ષે પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દહેગામ ઉતરી આવ્યો હતો. પોલીસે પાંચ શખસોને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યુ છે. બનાવ પાછળ ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. આ ઘટના સંદર્ભે બંને પક્ષે 18 વ્યક્તિઓ સામે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ દહેગામમાં જીટીપીએલ ચેનલનો વ્યવસાય કરતા જીગર લક્ષ્મણભાઇ રાઠોડ અને કુખ્યાત બુટલેગર વિક્રમસિંહ ઝાલાના જુથ વચ્ચે બન્યો હતો.