- 40 વર્ષથી જમીન પર ગેરકાયદે કબ્જો હોવાનો દાવો કરાયો
- ટ્રસ્ટીઓ દ્વારા 10 લોકો સામે ગુનો નોંધવા માટે ગૃહમંત્રીને રજૂઆત કરાઈ
- મંદિર દ્વારા રથયાત્રાનુ આયોજન પણ કરાય છે
દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકિની કથિત જગ્યાનો વિવાદ હવે ગૃહરાજ્યમંત્રી સુધી પહોંચ્યો છે. મંદિર દ્વારા દાવો કર્યો છે કે વર્ષો પહેલાં એક મિલને જગ્યા 98 વર્ષના ભાડાપટ્ટા ઉપર ભાડે આપવામાં આવી હતી. બાદમાં મિલ બંધ થઇ જતા મિલ દ્વારા જમીનને અન્ય લોકોને પેટાભાડુઆત તરીકે આપી દેવામાં આવી હતી. પેટાભાડુઆઓ પણ અન્ય પેટાભાડુઆતોને જમની ભાડે આપીને વર્ષો સુધી ભાડુ વસુલ્યુ હતું. સમગ્ર આક્ષેપો સાથે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરવામાં આવી હતી. દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રીને કરવામા આવેલી રજુઆતમાં દાવો કરાયો છે કે, મંદિર દહેગામમાં સૌથી પુરાણુ છે અને મંદિર દ્વારા રથયાત્રાનુ આયોજન પણ કરાય છે. મંદિરની જે કથિત જગ્યાનો વિવાદ ચાલે છે, તે જગ્યા દહેગામ સીટીસર્વે કચેરીમાં મંદિરના નામે નોંધાયેલી છે.
1920 માં આ જગ્યા મંદિર દ્વારા એક મિલને 98 વર્ષના ભાડાપટ્ટા ઉપર આપી હતી. બાદમાં આ મિલ કર્મચારીઓના વિવાદમાં બંધ થઇ ગઇ હતી. રજૂઆતમાં થયેલા દાવા મુજબ મિલ કોઇને પણ પેટા ભાડુઆત તરીકે જગ્યા નહી આપી શકે એવી શરત હોવા છતા મિલ દ્વારા અન્યને પેટાભાડુઆત તરીકે જગ્યા આપી દેવાઇ હતી. બાદમાં આ પેટાભાડુઆત દ્વારા છેલ્લા 40 વર્ષથી જમીન રૌફ જમાવીને ભાડે આપવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. બધાએ ભેગા મળીને મંદિરની જગ્યા પર ગેરકાયદે કબ્જો કર્યો હોવાનો આક્ષેપ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 10 લોકો સામે સમગ્ર મુદ્દે ગુનો દાખલ કરવા માટે ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.