– ‘ખરીદતા પહેલા માનવતાનો અભિગમ રાખજો’
– ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો મોતને ભેટયા છતાં વેપારી વેચે છે અને લોકો ખરીદે છે
સુરેન્દ્રનગર : ઉત્તરાયણ પહેલા ગુજરાતનાં અનેક જીલ્લામાંથી ચાઈનીઝ દોરી ઝડપાવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા લોકોને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચાઈનીઝ દોરીની ૪૮૦ રીલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાઈનીઝ દોરી વાહનચાલકો અને રાહદારીઓના ગળામાં જ્યારે દોરી ભરાય છે ત્યારે મૃત્યુ થાય ત્યાં સુધીની ઈજાઓ થાય છે. તેઓનો પરિવાર રઝળી પડે છે. માનવતાનો અભિગમ અપનાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ.
દસાડા પોલીસની ટીમ બજાણીયા વાસ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન વડગામ તરફથી આવતી એક પીકઅપ ગાડીને અટકાવી તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૪૮૦ રીલ(ટેલર) મળી આવી હતી. પોલીસે રૂા.૪૮,૦૦૦ની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરી ચાલક દશરથભાઇ વીરજીભાઇ રાવળ વિરૂધ્ધ દસાડા પોલીસ મથકે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સૌથી ગંભીર બાબત એ છે કે, આ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો મોતને ભેટી ગયા છે તેમ છતાં રૂપિયાની લાલચમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે વેચે છે અને લોકો તેને ખરીદે છે.
ઉલ્લેખનીય છે કે, દોરી વાગવાને કારણે ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ચાઈનીઝ દોરી હોય કે પછી વધુ કાચ પીવડાવાયેલી દોરી લોકોની તહેવારની મોજ ઘણા પરિવારોના દીવા હોલવી ચુકી છે છતા હજુ પણ એવા ગ્રાહકો મળી જાય છે જે આ પ્રકારના જોખમી માંજાથી તહેવાર ઉજવતા હોય છે અને તેને કારણે નફો કમાઈ લેવા આવા શખ્સો પણ જોખમી દોરી બજારમાં ઉતારવાના સતત જોખમો લઈ રહ્યા છે.