આણંદ: વૈજયંતી માળા અથવા મોતીના પ્લાન્ટ તરીકે ઓળખાતા છોડને સાદી ભાષામાં કાવડો કહેવામાં આવે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આ પ્લાન્ટની માળા બનાવીને ચઢાવવામાં આવતી હોય છે. આ છોડ પર ફૂલ ખીલ્યા પહેલાં જ કળી ચૂંટી લઈને તેને સુકવીને તેમાંથી માળા બનાવવામાં આવે છે. જેને વૈજયંતી માળા કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને આ માળા અતિ પ્રિય હોવાની માન્યતા છે.
ધાસની કેટેગરીમાં આવતો આ છોડ અને તેના ફળ-ફૂલ ખૂબ ઉપયોગી
આ અંગે ડો.કલ્પેશ ઈશનાવાએ જણાવ્યું હતું કે, આ છોડ ખાસ કરીને ગ્લાસ લેન્ડ હોય તે જગ્યાએ જોવા મળતા હોય છે. જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં આ છોડ ઊગતા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને આ છોડ કચ્છમાં જોવા મળે છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ કોઇક્સ લેક્રિમા-જોબી(Coix Lacryma-Jobi) છે. આ છોડ ઘાસની કેટેગરીમાં આવે છે. એટલે કે, આ છોડ પણ ઘાસ અથવા તો ધરુ જેવું જ દેખાતું હોય છે. આ છોડ 120 થી 180 સેન્ટિમીટર લાંબો થતો હોય છે. મોટા ભાગે આ છોડમાં લાંબા પાંદડા થતા હોય છે. આ છોડ પર ઓગસ્ટથી ડિસેમ્બર મહિના દરમિયાન ફળ અને ફૂલ આપે છે.
આ છોડના ફળનો ઉપયોગ ફેફસાંને લગતા રોગમાં ઉપયોગી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિકની સાથે સાથે આયુર્વેદિકની દૃષ્ટિએ પણ આ છોડ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને તેનું ફળ આયુર્વેદિકમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ છોડના ફળનો ઉપયોગ ફેફસાંને લગતા રોગમાં ઉપયોગી થાય છે. ખાસ કરીને ફેફસાંમાં બળતરા અથવા તો રોગ થયો હોય તો, આ છોડના ફળનો કાઢો બનાવીને પીવો જોઈએ. આ ઉપરાંત આ ડાયયુરેટિક હોય છે. જેના કારણે યુરિનને લગતી વિવિધ પ્રકારની બીમારીમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સાથે સાથે એન્ટી વાયરસ હોવાના કારણે વિવિધ પ્રકારના વાયરલમાં પણ આનો કાઢો બનાવીને પી શકાય છે.
આયુર્વેદિક ક્રીમમાં થાય છે આનો ઉપયોગ
વધુમાં આ ગિલોયની જેમ ઇમ્યુન મોડ્યુલેટર તરીકે કામ કરે છે. આ ઉપરાંત ત્વચાને લગતી વિવિધ ક્રીમમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને આયુર્વેદિક ક્રીમમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આનો અર્ક લગાવવામાં આવે તો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. આ છોડનું સૂપ બનાવીને પીવું પણ ખૂબ જ સારું રહે છે. કારણ કે, ખૂબ જ પ્રમાણમાં ન્યુટ્રિશન હોવાના કારણે શરીર માટે ફાયદાકારક છે. ખાસ તો આની મદદથી વાઇન અને ટી બનાવવામાં આવે છે. ખાસ કરીને ફ્લેવોનોઈડ અને વિટામિન્સ ખુબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે આની ટી બનાવીને પીવાથી શરીર માટે ફાયદાકારક રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર