ગેરકાયદે ખનીજનું વહન કરતા વાહનોને પકડતા
ખનીજ ખાતાએ ૪ વાહનો ઝડપી સંતોષ માન્યો, ફ્લાઇંગ સ્ક્વોડના કર્મચારી માર ખાતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો
ગાંધીધામ: અંજાર તાલુકાનાં તુણા ગામ નજીક ખાણ ખનીજની ફ્લાઇંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં ૪ વાહનોને ઝડપી લીધા હતા. જે દરમિયાન વાહન માલિકો અને ચાલકો દ્વારા ફ્લાઇન સ્કવોડની ટિમ પર હુમલો કરી નાખવામાં આવ્યો હતો. જેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ફ્લાઈંગ સ્કોડ પર ટ્રક માલિક તેમજ તેમની સાથે આવેલા લોકો હુમલો કરતા જોવા મળી રહ્યા હતા. ટ્રક રોકતા ખાણ ખનીજની ટીમને લાફાવાળી કરી અને લાતો મારતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. સરકારી કર્મચારી પર ચાલુ નોકરીએ હુમલો કર્યો હોવાનું ગંભીર બનાવ બન્યો હોવા ઉપરાંત તેના પુરાવા રૂપે વિડીયો પણ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સમાધાન કરી લઈ માત્ર ચાર ટ્રકને સીઝ કરી લેતા ફ્લાઈંગ સ્કવોડની કામગીરી પ્રત્યે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
રાત્રે બનેલા બનાવ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વાઈરલ વીડીયોમાં જોવા મળે છે કે, અંજારના તુણા પોર્ટ તરફના માર્ગે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડના અધિકારીએ ઓવરલોડ બ્લેક ટ્રેપ ખનીજ મામલે ૪ ટ્રકને અટકાવી હતી. જે દરમિયાન ટ્રક માલિકે પોતાના લોકો સાથે મળીને માથાકૂટ કરી હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીને માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ બાબતે સૂત્રોએ જણાવ્યુ હતું કે આ ઘટના બાદ સ્થાનિક કચેરીની દરમિયાનગીરી બાદ દાદાગીરી કરનાર ટ્રક માલિક અને સ્કોડના અધિકારી વચ્ચે સમાધાન થઈ જતા મારામારી સહિતના બનાવની પોલીસ ફરિયાદ નોંધવાઇ ન હતી. તો બીજી તરફ કંડલા મરીન પોલીસ મથકે પણ મોડી સાંજ સુધી આ બાબતે કોઈ ફરિયાદ આપવા ન આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ મામલે ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ફ્લાઈંગ સ્કોડ દ્વારા અટકવાયેલી ૪ ટ્રકમાંથી ૩ ટ્રકને ભગાડી જવાઈ હતી. જે બાદ ૩ ટ્રકોને પાછળથી ઝડપી લેવાઈ છે. તો બીજી તરફ સરકારી ફરજ પરના અધિકારી પર ચાલુ નોકરીએ હુમલો કરાયા બાદ પણ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સમાધાન કરી લેતા હવે આવનારા સમયમાં ખનીજ માફિયાઓની હિમ્મત વધુ વધશે અને તંત્રના આવા વલણના કારણે જ આવનાર સમયમાં આવા બનાવો બને તો જવાબદારી કોની તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.