- ભૂસ્તર વિભાગ અને આરટીઓની સાઠગાંઠમાં માટી ભરેલા ટ્રક અને ડમ્પરો બેલગામ
- જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાની આડમાં માટી અને રોયલ્ટી ચોરીનો વેપલો
- તાપી જિલ્લામાં દોડતા 15 વર્ષ જૂના ટ્રક અને ડમ્પરોથી વધુ જોખમ
તાપી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી બેફામ બનેલા માટીચોરોના ઓવરલોડ ટ્રક અને ડમ્પરો માતેલા સાંઢની જેમ પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતા હોવાથી હાઈવે અને રસ્તાઓ ઉપર અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
તાપી જિલ્લામાં હાલમાં ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનાની આડમાં માટી અને તેની રોયલ્ટી ચોરીનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. માટી ચોરીની આ પ્રવૃત્તિ વ્યારા, સોનગઢ, વાલોડ જેવા નગરોની આસપાસ વધુ કેન્દ્રિત થયેલી જોવા મળી રહી છે. આ નગરોમાં આકાર લેતા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં પુરાણ કરવા માટે ગામડામાંથી મોટા પ્રમાણમાં માટી નગરોમાં ઠાલવવામાં આવી રહી છે. માટી પુરાણનો આ ધંધો ગેરકાયદે ચાલી રહ્યો છે. માટીની રોયલ્ટી ભરવામાં આવતી નથી. આ ધંધામાં ટ્રિપ (ફેરા) દીઠ ટ્રકના માલિકને પૈસા મળતા હોવાથી વધુ ને વધુ ફેરા લગાવાની હોડમાં માટી ભરેલા ટ્રક અને ડમ્પરો પૂરઝડપે બેફામ રીતે હંકારવામાં આવી રહ્યાં છે. તેના કારણે તાપી જિલ્લામાં માટી ભરેલા વાહનો જોખમી રીતે દોડી રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ પણ ઊઠી રહી છે. ઘણા સ્થળોએ આવા પૂરઝડપે દોડતા વાહનોના ચાલકો સામે લોકોના ઝઘડાના બનાવો સામે આવ્યા છે. ઘણા સ્થળોએ જોખમી રીતે દોડતા ટ્રક-ડમ્પરોને લોકોએ અટકાવીને બંધ પણ કરાવ્યા છે. છતાં ભૂસ્તર વિભાગ અને આરટીઓ કચેરીની સાઠગાંઠમાં માટી ભરેલા ઘણા ટ્રક અને ડમ્પરો તાપી જિલ્લાના રસ્તા ઉપર બે-લગામ બની જોખમી રીતે દોડી રહ્યા છે. તેના કારણે તાપી જિલ્લામાં મોટો અકસ્માત થવાની શકયતા છે.
તાપી જિલ્લામાં દોડતા 15 વર્ષ જૂના ટ્રક અને ડમ્પરોથી વધુ જોખમ
વ્યારા, સોનગઢ અને વાલોડ નગરની આસપાસમાં હાલના દિવસોમાં મોટા પ્રમાણમાં માટી ભરેલા ટ્રક-ડમ્પરો દોડી રહ્યાં છે. માટી ચોરોએ આસપાસના જિલ્લામાંથી માટી વહન કરવા માટે મોટા પ્રમાણમાં ટ્રક-ડમ્પરો તાપી જિલ્લામાં મંગાવ્યા છે. આમ તાપી જિલ્લામાં હાલમાં જે માટી ભરેલા ટ્રક અને ડમ્પરો દોડી રહ્યા છે. તેમાંથી 80 ટકા વાહનો 15થી 20 વર્ષ જૂના છે. આ વાહનો ભારે અવાજ કરી રહ્યાં છે. કાળો ધુમાડો ઓકતા જોવા મળે છે. પાછળની લાઈટો ચાલુ હોતી નથી. રિફલેકટર લગાવેલા હોતા નથી. આવા ખખડધજ વાહનોને અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટ પણ શંકાના ડાયરામાં આવે છે. આવા 15થી વર્ષ 20 વર્ષ જૂના ટ્રક-ડમ્પરો હાલ તાપી જિલ્લા રસ્તા પર દોડી રહ્યાં છે. તેનાથી અકસ્માતનું વધુ જોખમ છે.
ભૂસ્તર અને આરટીઓ કચેરીને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી
તાપી જિલ્લાના રસ્તા પર પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતા ટ્રક-ડમ્પરો જેવા વાહનો બાબતે આરટીઓ કચેરીના અધિકારીઓને લોકો દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે.ઓવરલોડ વાહનો પૂરઝડપે દોડતા હોય તે સમયે ચોક્ક્સ સ્થળ સાથે ફરિયાદ કરવામાં આવે તો પણ કાર્યવાહી થતી નથી. આરટીઓની સાથે તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગમાં પણ ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. છેલ્લા અઠવાડિયા દરમિયાનથી કાટગઢ કોતરમાંથી, ધમોડીમાંથી, ભાનાવાડી તરફથી રોયલ્ટી વગરની માટી લાવી વ્યારાના પનીયારી ગામે કોલેજ અને હાઇવે બાયપાસ ત્રણ રસ્તા વચ્ચેના ભાગે પુરાણ થઇ રહી છે. લોકોએ તેની ફરિયાદ કરી છે. પરંતુ ભૂસ્તર વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. સોનગઢના ખેરવાડા રોડના ઇંટના ભઠ્ઠા પર પણ ભૂસ્તર વિભાગના મેળાપીપણામાં મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરીની માટી ઠલવાઇ છે.