ATM Stolen in Vyara : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત મોડી રાત્રે એટીએમ તોડીને તસ્કરોએ અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે હવે એટીએમ તોડનારા તસ્કરોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
કાનપુરા વિસ્તારમાં આવેલા SBIના એટીએમમાં ચોરી કરવા માટે આવેલી તસ્કરોની ટોળકી એક ટેમ્પોમાં આવી હતી. જેમાં ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે લગાવતો તસ્કર કેમેરામાં કેદ થયો છે. સ્પ્રે લગાવ્યા બાદ ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ શકી નહોતી. ત્યારબાદ તસ્કરોએ ગેસ કટર વડે ગતણતરીની મિનિટોમાં એટીએમ મશીન તોડ્યું અને અંદાજિત 40 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. લાખોની ચોરી કર્યા બાદ તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો : વડોદરામાંથી પાવીજેતપુર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે શહેરના આસપાસના વિસ્તારના નાકાબંધી કરીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ એટીએમ પર કોઈપણ સિક્યુરિટી ગાર્ડ ન હતો, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. બીજી તરફ વ્યારા શહેરના ભરચક વિસ્તારમાં આવેલા એટીએમમાંથી ચોરી થવી, સિક્યુરિટી ગાર્ડ ન હોવો અને પોલીસની પેટ્રોલિંગ દરમિયાન બેદરકારી સામે આવી છે. જોકે, જિલ્લા પોલીસે તસ્કરોને પકડવા ધમધમાટ શરૂ કરી દીધો છે.