- બંને ગામોને જોડતો આ રસ્તો આઝાદી પછી બન્યો જ નથી
- બિસ્માર રસ્તાને કારણે 10 કિ.મી. ફરીને જવું પડે છે
- રોડને બનાવવાની કાર્યવાહી તુરત હાથ ધરે તેવી લોકોની પણ માંગ
કોડિનાર તાલુકાના ડોળાસા અને ગીર ગઢડા તાલુકાના કાણકીયા ગામો વચ્ચેનું અંતર માત્ર બે કી.મી.છે.જે હાલ બિસ્માર હાલતમાં છે.જેના કારણે બંને ગામોને 10 કિ.મી. ફરીને જવું પડે છે.
ડોળાસા અને કાણકીયા ગામો વચ્ચેની અવાર જવર, વ્યાપારિક લેવડ દેવડ અને પારિવારિક સંબંધો વર્ષોની પ્રણાલી છે. એક જમાનામાં બંને ગામોના લોકો ચાલીને, બળદ ગાડામાં કે સાયકલ ઉપર આ જ રસ્તા ઉપરથી જતા હતા. બાદ કાણકીયા અને સીમાસી ગામોને ઉના તાલુકા મથક સાથે જોડતો ડામર રોડ બની જતા અને ધીમે ધીમે વાહનોની સંખ્યા વધતા આ રસ્તા ઉપર થી આવન જાવન ઓછી થઈ ગઈ. હાલ આ રસ્તો બિસ્માર હાલતમાં હોય અંહી અવર જવર બંધ થઈ ગઈ છે. કાણકીયા અને ડોળાસા ગામોને જોડતો રોડ આઝાદી પછી બન્યો જ નથી. તંત્ર દ્વારા સત્વરે આ રોડને બનાવવાની કાર્યવાહી તુરત હાથ ધરે તેવી બંને ગામોની ગ્રામ પંચાયત અને લોકોની પણ માંગ છે.