BJP-Congress Workers In Jamnagar : કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. શુક્રવાર સાંજે જામનગર શહેર ભાજપ દ્વારા બેનર પોસ્ટર સાથે ભાજપ કાર્યાલયથી રેલી કાઢીને ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચીને કાર્યાલયની સામે સૂત્રોચારો કરવાનું શરુ કર્યું હતું.
જામનગરમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને
જામનગર શહેર ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યલય સામે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે મામલો શાંત પાડ્યો. આ દરમિયાન ભાજપના આગેવાનોએ રેલી કાઢીને કોંગ્રેસ હાય હાય, બાબાસાહેબનું અપમાન નહીં સહેંગે જેવા સૂત્રોચાર કર્યા હતા. જ્યારે બીજી તરફ, કોગ્રેસના કાર્યકર્તાઓ પણ એકઠા થઈને ભાજપ વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા. આ પછી બંને પક્ષે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ, યુવા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી હતી. જેથી બંને સારવાર અર્થે જી. જી. હૉસ્પિટલ લઈ જવાયા હતા.
કોંગ્રેસના વિરુદ્ધમાં ભાજપે રેલી કાઢી
ભાજપની રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડીયા, મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના હોદ્દેદારો-કૉર્પોરેટરો અને વિવિધ સંગઠન-મોરચાના અન્ય કાર્યકરો જોડાયા હતા. ગુજરાત ગૌતમ ગેડીયાએ જણાવ્યું હતું કે, ‘બાબા સાહેબ આંબેડકરના નામે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. આ એ જ કોંગ્રેસ છે, જેણે બાબા સાહેબનું અપમાન કર્યું. આથી કોંગ્રેસે માફી માગવી જોઈએ.’
બીજી તરફ જામનગરના કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, ‘ભાજપના રાજમાં ગુંડાગીરીનું પ્રમાણ વધ્યું છે. ભાજપ દ્વારા પૂતળા બાળવામાં આવે છે. છતાં પોલીસ તેની અટકાયત કરતી નથી. આજે પણ ભાજપે ગુંડાગીરીનું પ્રદર્શન કરતાં કોંગ્રેસના બે આગેવાનોની તબિયત લથડી. અમે ગુંડાગીરી કરવામાં માનતા નથી.’