જામનગર: દિવાળીના તહેવારો બાદ જામનગરને રોગચાળાએ બરાબરનું બાનમાં લીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મચ્છરજન્ય રોગચાળાને લઈ જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ અને મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી બાજુ હોસ્પિટલમાં લોહીની પણ ઉણપ સર્જાઈ તેવી હાલત વર્તાઈ રહી છે. જી.જી. હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે તે જામનગર, દ્વારકા અને પોરબંદર લોકો માટે આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલમાં હાલ 700 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે.
છેલ્લા 6 દિવસમાં ડેન્ગ્યુના 138 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ગત માસની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 550 કેસ અને છેલ્લા પાંચ સપ્તાહમાં ડેન્ગ્યુના 688 કેસ તંત્રના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે કે દૈનિક 40 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાય છે. શહેરી વિસ્તારમાં ગત માસમાં 190 અને 6 દિવસમાં 39 કુલ મળીને 5 સપ્તાહમાં 229 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ગત મહિનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના 23 વર્ષીય યુવાનનું મોત પણ થયું હતું.
મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે સૌપ્રથમ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવો જોઈએ. એટલે કે આપણા ઘરમાં જે પણ જગ્યાએ પાણીના પાત્ર હોય તેને ઢાંકીને રાખવા જોઈએ કારણ કે પાણીમાં મચ્છર બેસતા હોવાથી પાણીના પાત્રો ખાસ ઢાંકીને રાખવા જોઈએ. આ ઉપરાંત સવાર અને સાંજના સમય દરમિયાન મચ્છરો ઘરમાં ઘૂસતા હોય છે. આથી આ સમયે ખાસ બારી અને દરવાજા બંધ કરવા જોઈએ જેથી મચ્છરો ઘરમાં આવતા અટકે છે અને તેના ડંખથી બચી શકાય છે.
ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ઘાતક રોગના મચ્છરો દિવસ દરમિયાન ડંખ મારતા હોવાથી તેમના ડંખને લઈ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ થાય છે. આથી આવા રોગથી બચવા માટે અને મચ્છરોના ડંખથી બચવા માટે ઓફિસના સમયગાળા દરમિયાન અને કામના કલાકોમાં હંમેશા ફૂલ સ્લીવ વાળા જ કપડાં પહેરવા જોઈએ. જેથી શરીર પૂરું ઢંકાયેલું રહે અને મચ્છરના ડંખથી બચી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર