છત્રસિંહ રાઠોડ (નર્મદા)
- ડેડીયાપાડા, નેત્રંગ વઘઈ અને કેવડીને મળ્યા KVK સેન્ટર્સ
- 2 કરોડના ખર્ચે તૈયાર કરાયા પ્રત્યેક કૌશલ્યવર્ધન કેન્દ્રો
- રાજ્યના વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેડીયાપાડા, ભરૂચના નેત્રંગ, ડાંગના વઘઈ અને છોટાઉદેપુરના કેવડીમાં કુલ રૂ. બે કરોડના ખર્ચે પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રો ડેડીયાપાડા ખાતેથી ઈ-લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ પ્રકલ્પોને ખૂલ્લા મૂકતા જણાવ્યું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંસને વૃક્ષ ગણવાના અંગ્રેજોના સમયના 90 વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે.
મુખ્યમંત્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી વોકલ ફેર લોકલનો ધ્યેય પાર પાડવાની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના 14 જિલ્લાઓના વનબંધુઓને રૂ.20 કરોડના 42 લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યની 25 સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.5 કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ.3 કરોડના લાભ તેમજ 4 વનલક્ષ્મી, ઈકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું.