માધાપરમાં પેઢી ધરાવતાં પિતા-પુત્ર સામે ગુનો
એગ્રીમેન્ટ મુજબ આરોપીઓએ કાચો માલ આપ્યો નહીં, ચેક પણ સેલ્ફના પધરાવી દીધા
રાજકોટ: માધાપર ચોકડી પાસે આવેલ સિલેનીયમ સિટી નામના બિલ્ડીંગમાં રહેતાં અને ડીસ્પોઝલ વાટકા બનાવવાનું મશીન વેચતા હેમલભાઈ વાસાણી અને તેના પિતા બીપીનભાઈએ કુલ ૧૧ જણાને બે વર્ષ સુધી કાચો માલ આપવાની વાત કરી, ડીપોઝીટ પેટે રૂા.૧૭.૭૧ લાખ મેળવી લઈ ધંધો બંધ કરી દીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે.
૮૦ ફૂટના રોડ પર નહેરૂનગર પાસે આવેલી જૂની ગોપ વંદના સોસાયટી શેરી નં.૩માં રહેતાં અને ડિલીવરી બોય તરીકે નોકરી કરતાં સુરેશ દેવાભાઈ જોગરાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલાં તેને ડીસ્પોઝલ વાટકા બનાવવાનું મશીન લેવાનું હતું. જેથી માધાપર ગામ મેઈન ગેટની અંદર શેરી નં.રમાં કેવલ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં આરોપીઓનો સંપર્ક કર્યો હતો.
ર૦ર૩ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં આરોપીઓની પેઢીએ ગયા હતા. તે વખતે બંને આરોપીઓએ કહ્યું કે અમે તમને બે વર્ષ સુધી કાચો માલ આપીશું. ડીપોઝીટ પેટે તમારે રૂા.૧ લાખ આપવા પડશે. જયારે મશીન માટે રૂા.ર.પ૦ લાખ આપવા પડશે. બધું નકકી થયા બાદ ઘરે મશીન ફીટ થઈ ગયું હતું. ત્યાર બાદ બંને આરોપીઓએ એક મહિના સુધી કાચો માલ આપતાં તેને તૈયાર કરી આપતા આરોપીઓએ તેનું પેમેન્ટ પણ કરી આપ્યું હતું.
પરંતુ ત્યાર પછી આરોપીઓએ એગ્રીમેન્ટ મુજબ કાચો માલ આપ્યો ન હતો. ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. માધાપર ખાતે આવેલા ગોડાઉનમાં તપાસ કરતાં તે બંધ મળી આવ્યું હતું. તેની જેમ બીજા લોકોને પણ બંને આરોપીઓએ કાચો માલ આપવાનો વાયદો કરી માલ આપ્યો ન હતો. જેને કારણે રમેશભાઈ દિનેશભાઈ ગોસ્વામીના રૂા.૧.૩૦ લાખ, વિશાલ હરેશભાઈ ગોઢાણીયાના રૂા.૪૩ હજાર, ધવલ વિનોદભાઈ ભંડેરીના રૂા.ર લાખ, પારસભાઈ પ્રવીણભાઈ સોજીત્રાના રૂા.૧.૬૦ લાખ, ઘનશ્યામભાઈ સવજીભાઈ સોજીત્રાના રૂા.૧.પ૦ લાખ, બાબુભાઈ માવજીભાઈ મકવાણાના રૂા.૧.૩૦ લાખ, જયપાલસિંહ નિરૂભા જાડેજાના રૂા.ર લાખ, અનિલભાઈ કેશવજીભાઈ ઝાલાના રૂા.૧.૩૩ લાખ, દિપકભાઈ ચમનભાઈ ખુંટના રૂા.૩ લાખ, કમલેશભાઈ દિનેશભાઈ ગોસ્વામીના રૂા.ર.રપ લાખ મળી કુલ રૂા.૧૭.૭૧ લાખ સલવાઈ ગયા હતા.
બંને આરોપીઓ પાસે ડીપોઝીટની રકમ માગતા ચેક આપ્યા હતા. જે સેલ્ફના હોવાથી રકમ મળી ન હતી. કંટાળીને આરોપીઓ વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.