Last Updated:
ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યા છે. સામે લોકો પણ જાગૃત થયા છે. જામનગરમાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટમેન્ટની ધમકી મળી હતી. પરંતુ પોલીસને જાણ કરતા પોલીસે દંપતી સાથે ફ્રોડ થતો અટકાવ્યો હતો.
જામનગર: મોબાઈલના આ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને જાગૃતિ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોવા છતાં આરોપીઓ સાયબર ક્રાઇમ અંજામ આપી છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં જામનગર પોલીસે વૃદ્ધ દંપતીને આવી છેતરપિંડીથી બચાવ્યા હતા. ત્યારે જાણો આ મામલે જામનગર શહેર DYSP શું કહે છે.
જામનગરના રામેશ્વર નગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા હતા. 11 તારીખે તેમને એક નકલી પોલીસ સ્ટાફનો વિડીયો કોલ આવ્યો હતો અને તેમને ડિજિટલ અરેસ્ટમેન્ટની ધમકી આપવામાં આવી હતી. આથી તેઓએ જામનગર સાયબર ક્રાઇમ અને 1930 પર ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે દોડી જઈ દંપતી સાથે ફ્રોડ થતો અટકાવી હતો.
આ મામલે જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે દિલ્હી પોલીસ, સાયબર ક્રાઇમ, પોલીસ કે ATS તથા કોઈપણ સરકારની એજન્સી બેંક એકાઉન્ટ માંગી શકતી નથી. હાલ આવા શખ્સો અજાણ્યા નંબર પરથી કોલ કરી પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય તેવી ખોટી વાતો ઊભી કરે છે. ત્યારબાદ કોઈ ને કોઈ કારણસર નાગરિકોના બેંક એકાઉન્ટની માહિતી અને મોબાઈલમાં આવેલ OTP મેળવી લે છે. ત્યારબાદ નાણાંની ઉચાપત કરે છે.
અજાણ્યા નંબરમાંથી કોલ આવે અને વિડીયો કોલ મારફતે ધમકી આપે કે “તમારા બેન્ક એકાઉન્ટનો ખોટો ઉપયોગ થયો છે” તથા “તમારા આધાર કાર્ડ નંબર પરથી ખોટો ઉપયોગ થયો છે”. આ ઉપરાંત “અમે કસ્ટમમાંથી બોલીએ છીએ અને તમારા પાર્સલમાંથી ગેરકાયદે વસ્તુ નીકળી છે. આથી તમને ડિજિટલ અરેસ્ટ કરીએ છીએ”. તો ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ છે જ નહિ. તેનાથી બચવું જોઈએ.
આ પણ વાંચો: હાલારમાં અહીં આવેલું છે શનિદેવનું મંદિર, દર્શન માત્રથી દુ:ખ દૂર થાય
DYSP જયવીરસિંહ ઝાલાએ કહ્યું કે પોલીસ આ પ્રકારે ક્યારેય વિગત માંગતી નથી. જેથી સતર્ક રહેવું જોઈએ અને જો ભૂલથી પણ આ પ્રકારના કૃત્યનો ભોગ બને તો સૌ પ્રથમ 1930 ઉપર ફોન કરીને ફરિયાદ લખાવવી જોઈએ. જામનગરમાં સાયબર ક્રાઇમના ગુનાઓની વાત કરવામાં આવે તો ગત વર્ષે અંદાજે સાયબર ક્રાઇમની ઓનલાઈન 3588 ફરિયાદ નોંધાઈ હતી. જેનાથી જામનગર સાયબર ક્રાઇમ પોલીસે 1100 અરજીઓનો નિકાલ કરવામાં જામનગર પોલીસને સફળતા મળી છે.
Jamnagar,Gujarat
March 15, 2025 3:57 PM IST