જામનગર: શિયાળાના પ્રારંભની સાથે જ બજારમાં અડદિયા ઉપરાંત સાલમપાક, મેથીપાક, ગુંદ પાક સહિતની વસાણાંની ધૂમ માંગ જોવા મળતી હોય છે અને ઘરે-ઘરે પણ અડદિયા બનતા હોય છે. શુદ્ધ ઘીમાંથી બનેલા અડદિયા ખાવાનું લોકો ખૂબ પસંદ કરતા હોય છે, પરંતુ જે લોકો કફની વ્યાધિ ભોગવતા હોય ઉપરાંત ડાયાબિટીસ સહિતના રોગ ભોગવતા હોય છે, તેવા લોકો અડદિયા ખાવાથી તબિયત માટે મુશ્કેલીજનક બનતા હોય છે. પરંતુ જામનગરમાં શ્રીખંડ સમ્રાટના નામે આવેલી દુકાનમાં ડાયાબિટીસવાળા લોકો પણ અડદિયા મોજથી ખાઈ શકે તે માટેના સ્પેશિયલ અડદિયા બનાવવામાં આવ્યા છે.
જેમાં સુગર ફ્રી અડદિયા ખૂબ લોકોને પસંદ પડી રહ્યા છે. આ ઉપરાંત સુગરલેસ ખજૂરપાક અને સુગરલેસ અંજીરપાક પણ બનાવવામાં આવે છે. ‘‘શ્રીખંડ સમ્રાટ’‘ના જુગલ હર્ષદરાય ચોટાઈએ જણાવ્યું કે, જામનગરમાં સર્વપ્રથમ શુદ્ધ ઘીના 5 પ્રકારના ડ્રાયફ્રૂટ અડદિયા શ્રીખંડ સમ્રાટમાં જોવા મળે છે. સાથે જ ખળી સાકરના ડ્રાયફ્રૂટ અડદિયા, ગોળના ડ્રાયફ્રૂટ અડદિયા, કાચી ખાંડના ડ્રાયફ્રૂટ અડદિયા અને સુગર ફ્રી ડ્રાયફ્રૂટ અડદિયા તથા કેસર ડ્રાયફ્રૂટ અડદિયા બનાવાય છે.
તેમજ લેડીઝ માટે સ્પેશિયલ ગુંદપાક અને મેથીપાક પણ લોકોની દાઢે વળગ્યો છે. ખાસ વાત એ છે કે, મેથીપાકને સાંધાના દુખાવાનો અકસીર ઈલાજ હોય તેવો દાવો પણ કરવામાં આવે છે. વસાણાં યુક્ત ખજૂરપાક અને 65 જાતના વસાણાઓથી ભરપૂર સાલમપાક જે ફક્ત પુરુષો માટે જ બનાવાય છે. આ તમામ શિયાળુ વસાણાં 700 રૂપિયાથી 1000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.
આ પણ વાંચો:
અડદિયાના સેવન પહેલા જાણી લો નિષ્ણાતની સલાહ, બાકી મુશ્કેલીમાં મુકાઈ જશો
જામનગરમાં વર્ષ 1955માં શહેરના ‘‘શ્રીખંડ સમ્રાટ’‘નો પાયો નખાયો હતો. હાલ ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં આવેલ છે. અત્યાર સુધી અહીંની મીઠાઈઓ, ફરસાણ અને શ્રીખંડ સહિતની તમામ વસ્તુઓએ જામનગરવાસીઓને દાઢે વળગી છે. હાલ જુગલ હર્ષદરાય ચોટાઈ ત્રીજી પેઢીએ વ્યવસાય સંભાળી રહ્યા છે. વર્ષ 1955 જુગલભાઈના દાદા જામનગરમાં એક પ્રસંગમાં આવ્યા હતા. આ દરમિયાન જમણવારમાં શ્રીખંડની ઘટ આવતા તે સમયના કંદોઈએ મેણું માર્યું હતું કે, ‘જામનગરમાં શ્રીખંડ ખાવો હોય, તો ગાલ લાલ રાખવો પડે!’ બાદમાં તેમના દાદાએ શ્રીખંડ સમ્રાટની શરૂઆત કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર