– સુરત લગ્નમાં હાજરી આપી પરિવાર પરત ફરતો હતો, પત્નીનું મોતઃ પિતા-પુત્રને ઈજા
– હાથબના શખ્સની માલિકીના ડમ્પરમાં આ જ ગામનો ડ્રાઈવર ગેરકાયદે રેતી ચોરી લઈ જતો હતો : ડમ્પર બંધ પડતાં હાઈ-વે પર મુકી દિધું હતું : અલંગ પીઆઈ
ભાવનગર : ભાવનગરના ત્રાપજ ગામ નજીક ઓવરબ્રીજ પાસે સર્જાયેલા અકસ્માતમાં વાઘનગરના પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. જ્યારે તેમની સાથે રહેલા તેમના પત્નીનું મોત થયું છે. આ બનાવમાં મુસાફરે ડમ્પરના અજાણ્યા ચાલક વિરૂદ્ધ મનુષ્યવધ સહિતની કલમ અન્વયે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં હાથબ ગામે રહેતાં ડ્રાઈવરને ઝડપી પાડયો હતો.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક ઓવરબ્રીજ પાસે ખાનગી લક્ઝરી બસ અને હાઈ-વે પર પડેલા ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા મહેશભાઈ માધુભાઈ નકુમ (રહે.વાઘનગર, તા.મહુવા) એ અલંગ પોલીસ મથકમાં જીજે-૨૭-ટીડી-૭૯૨૧ નંબરના ડમ્પર ચાલકની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત સોમવાર રાત્રિના ૯ વાગ્યાના અરસામાં તેઓ તેમના પત્નિ જયશ્રીબેન અને પુત્ર કાર્તિકભાઈ સાથે સુરતથી જીજે-૧૪-ઝેડ-૦૪૬૮ નંબરની એપલ ટ્રાવેલ્સ નામની બસમાં મહુવા તાલુકાના વાઘનગર ગામે આવી રહ્યાં હતા અને તેઓ ડ્રાઈવર સાઈડના ઉપરના ભાગે પહેલા સોફામાં બેઠા હતા અને મુસાફરી દરમિયાન વહેલી સવારે ત્રાપજ નજીક ઓવરબ્રીજ પાસે ઉપરોક્ત નંબરનું ડમ્પર બંધ હાલતમાં રાખેલુ હતું તેની સાથે તેમની ટ્રાવેલ્સ અચાનક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં તેમના પત્ની જયશ્રીબેન સહિત છે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બસમાં સવાર તેઓ તથા તેમના પુત્ર કાર્તિક સહિત અન્ય પેસેન્જરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ અલંગ પોલીસે ડમ્પરના અજાણ્યા ચાલક વિરૂદ્ધ હત્યા ન ગણી શકાય તેવા મુષ્યવધ બીએનએસની કલમ ૧૦૫, તથા કલમ ૧૨૫ મુજબ જિંદગી જોખમાય તે તેવું કૃત્ય આચરવા તથા કલમ ૨૮૫ મુજબ જાહેર માર્ગ પર અવરોધ સર્જવા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, ફરિયાદી મહેશભાઈ અને તેમનો પરિવાર સુરત ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યો હતો અને તેમને અકસ્માત નડયો હતો. બનાવ અંગે અલંગ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા ડમ્પર હાથબ ગામના પ્રવિણ બારૈયાનું હોવાનું ખુલ્યું હતું. આ જ ગામે રહેતો ડમ્પરનો ડ્રાઈવર રાજુ સગરામભાઈ ચુડાસમા (ઉ.વ.૩૯) આજે વહેલી સવારે ૪ કલાકે આ ડમ્પર બંધ પડતાં સ્થળ પર છોડીને ચાલ્યો ગયો હોવાનું ઈન્ચાર્જ પીઆઈ ખાંટે વિગતો આપતાં જણાવ્યુંહતુંં. જેને મોડી સાંજે પોલીસે ઝડપી લીધો હતો. જયારે ડમ્પરમાં રહેલા રેતીની ગેરકાયદે રીતે ચોરી કરી ડમ્પરમાં ભરી લઈ જવાતી હોવાનું પણ પીઆઈ ખાંટે વિગતો આપતાં અંતમાં ઉમેર્યું હતું.