- તાપમાનના કારણે પાક પાયમાલ થવાની શક્યતાઓ વધી
- જીવા દોરી ગણાતા માછણ નાળા યોજનાના બંધમાં પાણી નથી
- લોકો વર્ષ દરમ્યાન રોજીરોટી માટે મોટા શહેરો તરફ્ જતા રહે છે
ઝાલોદ તાલુકામાં લીમડી સહિત સમગ્ર વિસ્તારમાં લાંબા સમયથી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં હોવાનું જણાઈ રહ્યું છે.
ગુજરાત રાજ્ય બોર્ડરનું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકો ડુંગરાળ અને ટેકરાવાળા ભૌગોલિક વિસ્તાર ધરાવતો હોય અહીં ખેતી માટે માત્ર જગતના તાત કહેવાતા ખેડૂતો માટે ચોમાસાની ઋતુ અતિ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ વર્ષે ખેતીના કામકાજ માટે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારના લોકોએ મકાઈ ડાંગર સોયાબીન સહિત અન્ય નાના-મોટા વાવેતર કરી ખેતીમાં જોડાયેલા હતા. ત્યારે એકાએક છેલ્લા 15 દિવસ ઉપરાંતથી વરસાદનો વિરામ હોય દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમી સાથે તાપમાન ઉથલપાથલ થવાથી ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નહિવત વરસાદના કારણે પાયમાલ થવાની શક્યતાઓ વધી રહી હોય સમગ્ર પંથકના ખેડૂતો માત્ર ખેતીના આધારે જ પોતાના જીવન નિર્વાહ માટે આધાર રાખતા હોય છે. નહીતર ગ્રામ્ય વિસ્તારના લોકો વર્ષ દરમ્યાન રોજીરોટી માટે મોટા શહેરો તરફ્ જતા રહે છે.
ત્યારે આ વર્ષે ચોમાસામા વરસાદ નહિવત માત્રામાં વરસેલો હોય તેમ જ લાંબા સમયથી વિરામ લીધા થી ઠેર ઠેર વાવણી કરેલો પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાવા પામેલ છે. જેથી માત્ર ખેતી ઉપર જ પગભર રહેતા અને પેટડીઓ રળતા પરિવારો માટે પાણી અને પશુઓના ઘાસ ચારા માટે ભૂખમરાની વીકટ સ્થિતિ સર્જાય તેમ છે. જો આજકાલની સ્થિતિએ વરસાદ નહીં વર્ષે તો સમગ્ર વિસ્તારનો પાક નષ્ટ પામે તો પણ નવાઈ નહીં.
તેમજ ઝાલોદ તાલુકાના જીવા દોરી ગણાતા માછણ નાળા યોજના બંધ પણ ગત વર્ષે ઓવરફ્લો થવાના સમય કરતા અત્યારે બંધમાં પાણીની આવક પણ નહીવત જણાઈ રહેલી છે.