- વિદ્યાર્થીઓ, ધંધાદારીઓ અને નોકરીયાતોને હાલાકી
- દ્વિમાર્ગીય રસ્તો કરોડોના ખર્ચે તૈયાર છતાં એસટી સુવિધા નથી
- ધંધાદારીઓની સુવીધાને ધ્યાને લઇ એસટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી
ફતેપુરા તાલુકાના નાના શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારો તરફ્ જતી એસ.ટી બસ સુવિધાઓ બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ખાનગી ટુ-ફેર વીલર વાહનોએ પૂરેપૂરો કબજો જમાવી લીધો છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં લોડીંગ વાહનો દ્વારા મુસાફરો વહન કરવામાં આવી રહ્યા છે. છતાં સરકાર અને જવાબદાર તંત્રો આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે લાગતા-વળગતા તંત્રો સહિત સરકાર દ્વારા ધ્યાન આપી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી ગ્રામ્ય વિસ્તારોમાં માંગ ઉઠી છે.
ઝાલોદ તાલુકાના ગરાડુથી ફતેપુરા તાલુકાના ઘાટાવાડા, કાળીયા, નાના બોરીદા, માના વાળા બોરીદા, મોટા બોરીદા થઈ ઘાણીખુટ હાઇવે માર્ગને જોડતો માર્ગ આગાઉ સિંગલ પટ્ટી રસ્તો હતો. તેવા સમયે છ જેટલી એસ.ટી બસની ટ્રીપો ચાલુ હતી. પરંતુ સમય જતા બિસ્માર રસ્તાના કારણે આ એસ. ટી. ટ્રીપો બંધ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા એક વર્ષથી આ માર્ગનુ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી દ્વિમાર્ગીય રસ્તો બનાવવામાં આવેલ છે. છતાં આ માર્ગ ઉપર હજી સુધી સરકાર દ્વારા સરકારી એસ.ટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે શાળાએ જતાં બાળકો અને વિદ્યાર્થીઓ, નોકરીયાતો, ધંધાદારીઓની સુવીધાને ધ્યાને લઇ એસટી બસ સેવા શરૂ કરવા માંગ ઉઠી છે.