– જિલ્લા રેવન્યુ બાર એસોસિએશનની માંગણી
– બાર એસોસિએશને નવી મુસદ્દારૂપ જંત્રી સામે વાંધા અને સૂચનો રજૂ કર્યા
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેનો સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જંત્રીના દરમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જીલ્લા રેવન્યુ બાર એસોશીએસન દ્વારા જીલ્લા કલેકટરને એરીયા મુજબ જંત્રીના ભાવમાં છેલ્લા ચાર તબક્કામાં થયેલ વધારાના આંકડાઓ સાથે લેખીત રજુઆત કરી હતી
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા જંત્રીમાં હાલમાં જે વધારો ઝીંકવામાં આવ્યો છે તેના કારણે પ્રજાજનોને હાલાકી પડી રહી છે તેમજ જંત્રીમાં વધારાના કારણે સુરેન્દ્રનગર જીલ્લાનો વિકાસ રૂંધાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને મકાન, જમીન, દુકાન તેમજ ખેતીની જમીનના સોદાઓ સદંતર અટકી જાય અને બજારમાં ભયંકર મંદી આવે તેવી સ્થિતી સર્જાશે. આ ઉપરાંત મિલ્કત બજાર સાથે સંકળાયેલા કડીયાઓ, પ્લમબરો, રેતી-ઈંટ-કપચીના વેપારીઓ, મજુરો, બિલ્ડરો સહિતનાઓને પણ પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડશે. આથી વર્ષ ૨૦૨૩માં જંત્રીના ડબલ કરેલા ભાવ યથાવત રાખવા, બજાર કિંમત કરતા જંત્રીના ભાવ વ્યાજબી રાખવા, સ્ટેમ્પ ટયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં રાત આપવી, અતિપછાત, પછાત, વિકસિત અને ખુબ જ વિકસિત એરીયાના જંત્રીના ભાવ અલગ-અલગ રાખવા, દુકાનો-ઓફીસોના ભાવ અલગ-અલગ રાખવા, દુકાનો અને ઓફિસમાં પાર્કિંગનો ભાવ ૨૦ ટકા થી ઘટાડીને ૧૦ ટકા કરવો અને મહિલાઓ તેમજ સીનીયર સીટીઝનો માટે વિશેષ રાહતો આપવી સહિતની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી આ તકે રેવન્યુ બાર એસોશીએસનના હોદ્દેદારો, સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.