– સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
– ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી લેવાયો
સુરેન્દ્રનગર : જોરાવરનગર શહેરી વિસ્તારમાં કારચાલકે સ્ટેયરંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક રાહદારી યુવકને અડફેટે લેતા ગંભીર ઈજા થઇ હતી તેમજ આસપાસના બે થાંભલા સાથે કાર અથડાતા થાંભલા પણ પડી જતા દોડધામ મચી ગઈ હતી.
જોરાવરનગર શહેરના અંડરબ્રીજ પાસે કુંભારપરા તરફથી પુરઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક અંડરબ્રીજ પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારે ધડાકાભેર રસ્તા પર ચાલીને પસાર થઈ રહેલી એક યુવકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ રોડની સાઈડમાં એકથી બે થાંભલા સાથે અથડાતા થાંભલાને પણ નુકસાન પહોંચ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ૧૦૮ મારફતે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. સ્થળ પરથી અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જ્યારે આ સમગ્ર અકસ્માતના બનાવના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં પુરઝડપે આવી રહેલ કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રાહદારી યુવકને અડફેટે લેતા દ્રશ્યો નજરે પડયા હતા વધુ એક અકસ્માતના બનાવથી લોકોમાં કારચાલક સામે રોષ જોવા મળ્યો હતો.