જૂનાગઢ: ઉત્તર પ્રદેશમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ મેળામાં સામેલ થવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. વેરાવળથી બનારસ જવા માટે 22 ફેબ્રુઆરીએ એક ટ્રેન સ્પેશિયલ મૂકવામાં આવી છે, પરંતુ દુ:ખદ વાત એ છે કે જૂનાગઢને આ ટ્રેનનું સ્ટોપ આપવામાં આવ્યું નથી. તેથી વેરાવળથી નીકળતી આ ટ્રેન જૂનાગઢમાંથી પસાર તો થશે પરંતુ જૂનાગઢમાં રોકાશે નહીં. જેથી જૂનાગઢવાસીઓ અને સ્થાનિક સંતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે જૂનાગઢ સાધુ-સંતોની ભૂમિ છે. અહીં એવા અનેક સંતો છે, જે આ ટ્રેન મારફતે બનારસ સુધી પહોંચે છે. તેથી આ ટ્રેનને જૂનાગઢ ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વેરાવળ-બનારસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવાની માંગ
લોકલ 18 સાથે વાત કરતા મહંત શ્રી સુખરામદાસ બાપુએ જણાવ્યું કે, “2025માં જ્યારે મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે તેના ગંતવ્ય સ્થળ પર પહોંચવા માટે દરેક રાજ્યમાંથી ટ્રેન અને એરોપ્લેન જેવી સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. કુંભમેળામાં પહોંચવા માટે ગુજરાતમાંથી પણ એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન સોમનાથથી છેક હરિદ્વાર સુધી પહોંચાડે છે. આ ટ્રેન જૂનાગઢમાંથી પસાર થાય છે. જૂનાગઢ સંતો-ભક્તોની ભૂમિ છે. અહીં પ્લેટફોર્મ તો છે. પરંતુ તેને વેરાવળથી બનારસ જતી ટ્રેનનું સ્ટોપ આપવામાં આવ્યું નથી. તેથી આ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં આવે તેવી અમારી માંગ છે.”
ક્યાં ક્યાં રોકાશે વેરાવળ-બનારસ ટ્રેન?
મહાકુંભ મેળામાં જવા માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 22 ફેબ્રુઆરીના રોજ એક વખત વેરાવળથી બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે.
આ ટ્રેન 22 ફેબ્રુઆરી 2025ના રોજ વિશેષ ભાડા પર બનારસ જશે અને જેના રૂટમાં વેરાવળથી ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ રૂટ ઉપરથી ટ્રેન ચાલશે અને બનારસ પહોંચશે. ત્યારે જૂનાગઢ ખાતે આ ટ્રેનનો સ્ટોપ આપવામાં આવ્યો નથી તે મામલે આ ટ્રેન જૂનાગઢ પણ સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ તે સંતો અને મહંતોની ભૂમિ છે અને કુંભમેળામાં સંતો-મહંતો જતા હોય ત્યારે ગિરનારની ભૂમિ જૂનાગઢને વેરાવળ-બનારસ ટ્રેનનો સ્ટોપ ન આપી રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ સાથે અન્યાય કરેલ હોય તેવો પણ લોકમુખે સૂર ઉઠ્યો છે. તો રેલવે વિભાગ દ્વારા ફેરવિચાર કરી જૂનાગઢના લોકો સાથે અન્યાય ન થાય તેને લઈને વેરાવળ-બનારસ ટ્રેનને સ્ટોપ આપવા માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર