Girnar Forest Area: સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા 20 વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં 11 ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઇઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા 20 વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે.
વર્ષ 2000થી લઈને 2020ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઇમ ફ્રેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર 2000ની સાલમાં 171.64 ચોરસ કિલોમીટરનો હતો. જે વર્ષ 2010માં ઘટીને 167. 44 ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો. 10 વર્ષ બાદ 2020માં 149.97 ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો.
મૂળ 94 ટકા વિસ્તાર હતો તે 20 વર્ષમાં ઘટીને 83 ટકા થઈ ગયો છે
2000ની સાલમાં કુલ વિસ્તારમાં 94 ટકા જંગલ હતું. જે ઘટીને 2020માં 83 ટકા થઈ ગયું છે. આ અભ્યાસમાં 182 ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો. જે ગિરનાર જંગલ વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં એરિયાનું સેમ્પલ 197થી 1031 મીટર એરિયાનું રાખવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક ગામ પણ આવે છે, જ્યાંની વસ્તી 55ની છે. આવું થવાનું મુખ્ય કારણ મંદિરની આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામના કારણે આ ઘટાડો થવા પામ્યો છે.
ગિરનારના આ વિસ્તારમાં મોટા ભાગે પાનખરના અને કાંટાળા પ્રકારના વૃક્ષો આવેલા છે. પાનખરના વૃક્ષોમાંથી સૂકી ઋતુમાં પાંદડા ખરે છે. જ્યારે ઓછા પાણીના વિસ્તારમાં કાંટાળા વૃક્ષો પણ વિશેષ છે. કાંટાળા વૃક્ષોના વિસ્તારમાં ઓછા પાંદડા જોવા મળે છે. અહીં એશિયાઈ સિંહ સાથે દિપડા, ચિતલ હરણ, સાબર, વિવિધ પ્રકારના સરિસૃપ અને વિલુપ્ત થઈ રહેલા પક્ષીઓનો અને નિશાચર પ્રાણીઓનો પણ વસવાટ છે.
જો કે જાણકારોનું એવું પણ માનવું છે કે, આ જે ફેરફાર આવ્યો છે તેમાં માનવવસ્તીનો વધારો અને તેમનો ગિરનાર તરફનો ધસારો પણ છે. છેલ્લા 20 વર્ષમાં રોપ વે બાદ જૂનાગઢનું પ્રવાસન વધતાં પણ આ ઘટાડો થયો હોવાની શક્યતા જોવા મળે છે.
ગિરનારની પરિક્રમમાં કોરોના બાદ લોકોનો ધસારો વધ્યો
ગિરનારની પરિક્રમમાં અગાઉના વર્ષો કરતાં કોરોના બાદ લોકોનો ધસારો વધ્યો છે. વર્ષ 2023માં 13 લાખ લોકોએ ગિરનારના જંગલમાં પરિક્રમા માટે અવર-જવર કરી હતી. જો કે વર્તમાન સમયમાં આ આંકડામાં થોડો ઘટાડો થતાં 9 લાખની આસપાસ લોકોએ એક જ સપ્તાહમાં પરિક્રમા કરવાના કારણે પણ જંગલમાં મોટા પ્રમાણમાં વન્ય પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન થયું છે. એક સાથે એક જ સપ્તાહમાં લાખો લોકોની અવર-જવર અને 10 ટનથી પણ વધુ પ્લાસ્ટિક વેસ્ટને કારણે ગિરનારનું જંગલ અને પ્રાણી સૃષ્ટિ સતત ખલેલ અનુભવે છે.