Last Updated:
જામનગરની હાપા માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જીરુંની આવક થઈ હતી. માર્કેટ યાર્ડમાં સતત 3 દિવસથી વધી રહેલા ભાવના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આજે 3,642 ગુણી જીરુંની આવક નોંધાઈ હતી. ખેડૂતોને મણના 2,600થી લઈને 4,300 રૂપિયા મળ્યા હતા.
જામનગર: સહિત હાલાર પંથકમાં જીરુંની સીઝન પુરબહારમાં ખીલી છે. હાપા માર્કેટમાં જીરુંની બમ્પર આવક થઈ રહી છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો તૈયાર પાક વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પરિણામે, જીરુંના ભાવ સારા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જીરુંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને મણના કેટલા મળ્યા અને કેટલી આવક થઈ તે અહીં જાણીએ.
છેલ્લા અઠવાડિયામાં જીરુંના ભાવમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત તા. 14ના રોજ જીરુંના ભાવ ₹3,300થી લઈને ₹3,970 સુધી બોલાવ્યા હતા. ત્યારબાદ 16 માર્ચના રોજ ₹3,750થી ₹4,015 અને 17ના રોજ ₹1,800થી ₹3,950ના ભાવે જીરું વેચાયું હતું.
તા. 18ના રોજ ભાવમાં મામૂલી વધારો નોંધાયો હતો, જ્યાં ₹2,000થી લઈને ₹4,020 જેવા જીરુંના ભાવ મળ્યા હતા. ત્યારબાદ તારીખ 19ના રોજ ₹2,600થી ₹3,980 રૂપિયાના ભાવે જીરું વેચાવ્યું હતું. ગત મંગળવારે જીરુંની સીઝનની સૌથી વધુ કહી શકાય તેવી 17 હજાર ગુણીની આવક નોંધાઈ હતી અને ભાવ ₹3,980 જેવો મળ્યો હતો, જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ ભાવમાં સુધારો થયો છે. ગઈકાલે તા. 20ના રોજ જીરુંના ₹2,300થી લઇ ₹4,125 રૂપિયા જેવો મણ દીઠ ભાવ મળ્યો હતો.
આજે પણ 3,642 ગુણી જીરુંની આવક નોંધાઈ હતી અને ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે ₹2,600થી લઈને ₹4,300 જેવા જીરુંના ભાવ મળ્યા હતા. જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે 3,925 ગુણી જીરુ ઠલવાયું હતું.
આ પણ વાંચો: ફિલ્ટરનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક? જાણો ડોક્ટરે શું કહ્યું
મહત્વનું છે કે, સરેરાશ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીરુંના ભાવ ₹2,000 જેવા ઓછા મળી રહ્યા છે. પરંતુ હાલ છેલ્લા 3 દિવસથી જીરુંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં સારા ભાવની આશા બંધાઈ છે. ખેડૂતો આગામી સમયમાં પણ જીરુંના ભાવમાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે ઝાકળને લીધે જીરુંના પાકમાં ગુણવત્તા ઘટી છે, જેના કારણે ભાવ પણ નીચા રહ્યા છે. જોકે, તાજેતરના ભાવ વધારાએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે.
Jamnagar,Gujarat
March 21, 2025 6:41 PM IST