– બુટલેગરે બોરસદ પોલીસને પરસેવો પડાવ્યો
– માછલી પકડવાની જાળની આડમાં દારૂ જતો હતો
– રૂા. 21.18 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત
આણંદ : બોરસદ શહેરમાં માછલી પકડવાની ઝાળાની આડમાં રૂા. ૯.૩૨ લાખનો દારૂ ભરેલી આઈશર પોલીસે ઝડપી હતી. પરંતુ, જીપીઆરએસ લોક કરી દેતા આઈશર બંધ થઈ ગઈ હતી. પોલીસને પરસેવો પડી ગયો હતો. ટ્રેક્ટરથી બે કિ.મી. ખેંચી બે કલાકની જહેમતે આઈશર પોલીસ મથકે પહોંચાડાઈ હતી. રૂા. ૨૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
વાસદથી સીકસ લાઇન હાઇવે પર તારાપુર તરફ થઈ આગળ સૌરાષ્ટ્ર તરફ જનારી મહારાષ્ટ્ર પાસિંગની આઈશરમાં માછલીઓ પકડવાની જાળીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો. પોલીસની ટીમે બોરસદ શહેરની વિદ્યાવિહાર સ્કૂલની સામે તારાપુર તરફ જતા હાઇવેના ટી-પોઇન્ટ પાસે વૉચમાં હતી. દરમિયાન આઈશર ને રોકી અને ચાલક નાનબાબુ રામગોપાલ સોની (મુળ રહે. ગોંડા, ભીરૂપુર, થાના કોટવાલી, ઈટીયાચોક, તા.પડરીક્રીપાલ જિ.ગોડા, ઉત્તરપ્રદેશ, હાલ રહે. મુંબઈ, વાસી, કોપરગાંવ, તા.જિ. થાણે, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.
પોલીસે જીપીઆરએસ સિસ્ટમ ચેક કરતા મુંબઈથી બુટલેગરે આઈશર લોક કરી દીધી હતી. અંતે ટ્રેક્ટરથી બે કિ.મી. સુધી ખેંચી બે કલાકની જહેમત બાદ પોલીસ મથકે આઈશર પહોંચાડાઈ હતી. પોલીસ કર્મીઓએ આઈશર ખેંચી જતી વેળાએ ચાલતા આસપાસ પેટ્રોલિંગ કરવું પડયું હતું.
પોલીસે આઈશરના પાછળના ભાગે ઢાંકેલી તાડપત્રી હટાવી તલાશી લેતાં, તેમાં માછલીઓ પકડવાની નાયલોનની જાળીઓ અને દોરડા ગુંચળું વાળેલી હાલતમાં હતી. જાળીઓની નીચે તપાસ કરતાં વિદેશી દારૂની ૮૧૭૨ નંગ બોટલો કિંમત રૂપિયા ૮,૪૭,૮૦૦ તેમજ બિયરના ૮૪૦ નંગ ટીન કિંમત રૂપિયા ૮૪,૦૦૦ મળીને કુલ રૂપિયા ૯,૩૧,૮૦૦ તેમજ રૂા. ૧.૮૦ લાખની ૨૪૦૦ કિલો માછલી પકડવાની જાળી, ૧૦ લાખની આઈશર, જીપીએસ ટ્રેકર રૂા. ૫૦૦ સહિત રૂા. ૨૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.