- નંદાજીની મુવાડી ગામનો ઇસમ રેતીનો વેપલો કરતો હોવાની ચર્ચા
- ગ્રામજનો વિરોધ કરે તો મારવાની ધમકી અપાતી હોવાથી ડરનો માહોલ
- સામાન્ય જનતાને આંખ બતાવીને પોતાના ડરનુ સામ્રાજ્ય ફેલાવી રહ્યા
દહેગામના જીંડવાથી પીપળજ વચ્ચે આવેલા તળાવ પાસે ગેરકાયદેસર રેતીનો વેપલો બે વર્ષથી ચાલતો હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોવા ની રાવ ઉઠી છે. તળાવ પાસે મેશ્વોની રેતીનો સંગહ કર્યા બાદ ડંપરો ભરીને વેચાણ કરવામાં આવે છે. આ ગેરકાયદેસર વેપાર કરતો ઇસમ નંદાજીની મુવાડી ગામનો હોવાની વિગત છે.
દહેગામની મેશ્વોનુ ચીરહરણ કરનારા રેતીમાફીયાઓ બેફામ બની ગયા છે.સામાન્ય જનતાને આંખ બતાવીને પોતાના ડરનુ સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે. ખાણખનીજ તંત્ર આવા તત્વો ઉપર પગલા ભરવામાં વામણુ સાબિત થઇ રહ્યુ હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. તાલુકાના જીંડવાથી પીપળજ વચ્ચે આવેલા રામાપીરના મંદિર પાછળના ભાગમાં એક તળાવ આવેલુ છે. તળાવ પાસે રેતીનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોય છે. રેતીના જથ્થાનો સંગ્રહ નંદાજીની મુવાડી ગામના એક ઇસમ દ્વારા કરાઇ રહ્યો છે. મેશ્વો નદીમાથી દિવસભર ફેરા મારીને રેતી તળાવ પાસે સંગ્રહ કરે છે અને રાત્રે રેતીની ગાડીઓ ભરીને વેપાર કરાય છે. આ વેપલો છેલ્લા બે વર્ષથી કરે છે. રેતીના વાહનોની હેરાફેરીથી આ રોડ ઉપર આવેલા પથુપુરા ગામનો માર્ગ આખો રેતી અને કાંકરાથી ખરાબ થઇ રહ્યો છે. ગ્રામજનો પણ હેરાન થાય છે. પથુપુરા ગામનો કોઇ વ્યકતી જો આ મામલે વિરોધ કરવા જાય છે તો રેતીનો વેપાર કરતા ઇસમો દ્વારા અવાર નવાર માર મારવાની ધમકી અપાતી હોવાથી કોઇ નામ લેવા તૈયાર નથી. પથુપુરા પરાવિસ્તાર નારણાવટ ખાપરેશ્વર પંચાયતમાં આવે છે જ્યાંથી નંદાજીની મુવાડી ગામના પાછળના ભાગેથી સીધા જ મેશ્વો નદીમા ઉતરાય છે. આ ગેરકાયદે સરના વેપલાની તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.