- સામાન્ય સભામાં લોકલ ફંડની રકમ વધારવા માટે ઈન્કાર કરાયો
- સત્તાધારી પક્ષે કમિટીઓની રચનામાં વિપક્ષની બાદબાકી કરી
- સરકારી ખર્ચે પ્રવાસ કરવાની મંજૂરી અપાતા સદસ્યોમાં ગેલમાં આવી ગયા
સાબરકાંઠા જિલ્લા પંચાયતની મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં એજન્ડામાં રજૂ કરાયેલા કામો પૈકી એજન્ડા નં.9 મુજબ જમીન મહેસૂલના દર વધારવા અંગે થયેલી ચર્ચા બાદ સામાન્ય સભાએ લોકલ ફંડ શેષની રકમમાં ફેરફાર કરવા અંગે નન્નો ભણી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી રજુ કરાયેલા પ્રશ્ન અંતર્ગત જિલ્લા પંચાયતના હસ્તકના વિજયનગરના પોળોમાં આવેલ રેસ્ટ હાઉસ માર્ગ અને મકાન વિભાગના હવાલે કરવાનો શરતી સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને વિકાસ કામો માટે સદસ્ય દીઠ રૂા.10 લાખની ગ્રાન્ટ ફાળવવા સર્વસંમતિ સધાઈ હતી.
મંગળવારે સામાન્ય સભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોની હાજરીમાં એજન્ડામાં જણાવાયા મુજબ, એક કલાકમાં 9 કામો રજુ કરાયા હતા. જે પૈકી મોટાભાગના કામો અંગે બંને પક્ષે મંજુરીની મહોર મારી હતી. કામ નં.પમાં જિલ્લા પંચાયતના નિવૃત્ત થયેલા કેટલાક કર્મચારીઓને ચુકવવા પાત્ર થતી રકમ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચ કરવા અંગે પણ આ રકમ સરકાર પાસેથી મેળવવાનો માટેનો ઠરાવ પણ કરાયો હતો. જિલ્લા પંચાયતની ગત તા.15-03-ર0રરના રોજ મળેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લેવાઇ હતી. તે જ પ્રમાણે જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને વર્ષ 2022-23 માટે સદસ્યદીઠ રૂા.10 લાખની ગ્રાન્ટ વિકાસ કામો માટે ફાળવવા અંગે કરાયેલી ચર્ચા બાદ તમામ સભ્યોએ તેને આવકારી હતી. નાયબ ડીડીઓને બંને વાહનો બે નવા વાહનો ખરીદવા મંજૂરી અપાઇ હતી.