Last Updated:
Guava Cultivation: અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો જામફળની ખેતી કરી રહ્યા છે અને જામફળમાંથી સારો એવો ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. સરેરાશ એક ઝાડમાંથી ખેડૂતો 50 થી 60 કિલો સુધીનું ઉત્પાદન મેળવે છે. 80 થી 100 રૂપિયા સુધીના ભાવ મેળવી સારી કમાણી કરે છે.
અમરેલી: અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બાગાયતી પાકો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સંપૂર્ણ ઉત્પાદન મળી રહે તે માટે ખાસ કરીને જામફળની ખેતીમાં સુધારેલી જાતો જેવી કે ‘લખનૌ 49’, ‘અલ્હાબાદ સફેદ’, ‘ધોળકા’, ‘લલિત’ અને ‘શ્વેતા’ વાવવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉપરાંત, સારા ઉત્પાદન માટે બીજ અને મોટી કલમ દ્વારા સંવર્ધન કરીને વાવેતર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક હેક્ટરમાં અંદાજે 277 રોપા વાવવાની ભલામણ કરવામાં આવી છે.
પુખ્ત વયના ઝાડને પૂરતા પોષણ માટે 30 કિલોગ્રામ છાણીયું ખાતર, 500 ગ્રામ યુરિયા, 1 કિલો સુપર ફોસ્ફેટ અને 500 ગ્રામ યુરેટ ઓફ પોટાશ આપવું ખૂબ જરૂરી છે. શિયાળા દરમિયાન, ઝાડને દર 15 દિવસે પિયત આપવાથી તેને જરૂરી ભેજ મળી રહે છે. જામફળના પાકમાં સુકારો, ફળમાખી, તેમજ થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઇયળ જેવા રોગો જોવા મળે છે. આવા સમયે ખેડૂતોએ નજીકના એગ્રો સેન્ટર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરીને જરૂરી માહિતી અને નિયંત્રણના પગલાં લેવા જોઈએ. જામફળનો એક છોડ યોગ્ય માવજત મળે તો 50 થી 60 કિલો જેટલું ઉત્પાદન આપી શકે છે.
છોડને શરૂઆતમાં 60 થી 90 સેન્ટિમીટર સુધી એક જ જગ્યાએ ઉગવા દેવી જોઈએ. ત્યારબાદ, તેના પર ચારથી પાંચ ડાળીઓ વિકસાવવા દેવી જોઈએ. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઝાડની ટોચથી 60 સેન્ટિમીટર સુધીની ડાળીઓ કાપી નાખવી જોઈએ. આમ કરવાથી ઉત્પાદન સારું મળશે.
આ પણ વાંચો: ઉનાળુ મગફળીમાં રોગનું આગોતરુ નિયંત્રણ કરો, ઉત્પાદનમાં થશે વધારો
અમરેલી જિલ્લાના બાબરા, બગસરા, સાવરકુંડલા અને લાઠી તાલુકાઓમાં જામફળની ખેતી કરતા ખેડૂતો મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને બાબરા તાલુકાના ખેડૂતો તો જામફળમાંથી 10 થી 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે બાગાયત વિભાગ દ્વારા સમયાંતરે સબસીડી યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે, જેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
March 02, 2025 9:21 AM IST