image : Socialmedia
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે, અને ઠંડીનો પારો નીચે ઉતરીને 11.0 ડિગ્રી સુધી નીચે ચાલ્યો જતાં કાતિલ ઠંડી પડી રહી છે, અને બરફીલા ઠંડા પવનના કારણે શિત લહેર પ્રસરી ગઈ છે. ઉપરાંત શહેરીજનો અને પશુ પક્ષીઓએ ભારે ધ્રુજારી અનુભવી છે
છેલ્લા બે દિવસ થી ભેજ યુક્ત વાતાવરણમાંથી મુક્તિ મળતાની સાથે વહેલી સવારથી પ્રતિ કલાકના 30થી 35 કિમીની ઝડપે ફૂંકાઈ રહેલા ઠંડા પવને શહેરીજનો અને પશુ પક્ષીઓને ધ્રુજાવ્યા છે. ઠંડીના કારણે લોકો ઘરમાં ભરાઈ રહેતાં રાત્રી કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે, અને તાપણાંનો આશરો લેવાનો પણ વારો આવ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 11.0 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 24.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું છે, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાક 30 થી 35 કિ.મીની ઝડપે રહી હતી.