જામનગર: જામનગર જિલ્લામાં વર્ષ 2019માં છેલ્લે પશુની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ હાલ 92 જેટલા સ્ટાફ અને 17 જેટલા સુપરવાઇઝર તથા એક નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ જામનગર જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં આ કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લામાં આધુનિક ટેક્નોલોજીની મદદથી પશુની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. મોબાઇલ ફોનની મદદથી વસ્તી ગણતરી કરવામાં આવશે.
જામનગર જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. તેજસ શુક્લના જણાવ્યા મુજબ, કર્મચારીઓ પશુપાલકોના ઘરે ઘરે જઈ અને પશુઓ અંગેની માહિતી મેળવી રહ્યા છે, જેમાં દુધાળા પશુઓ આ ઉપરાંત ખેતીના ઉપયોગમાં આવતા બળદ સહિતના પશુઓની જુદી જુદી કેટેગરી અંગે સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી ડેટા એકત્ર ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે.
સરકાર દ્વારા કરવામાં આવતી પશુ ગણતરીને લઈ જામનગર જિલ્લામાં ગાય, ભેંસ સહિતના વર્ગના પશુઓની હાજર સંખ્યા જાણી શકાય છે. સાથે સાથે સરકાર દ્વારા જાહેર કરાતી યોજનામાં પણ આસાની રહે છે. દર પાંચ વર્ષે આ ગણતરી કરવામાં આવે છે. આ સાથે જ પશુધનની સંખ્યા અને વિવિધ જાતોના આધારે નવી યોજના બનાવવામાં, જૂની યોજનામાં સુધારો કરવામાં, પશુ આરોગ્ય સેવાઓનો વધારો કરવામાં, પશુઓમાં રસીકરણ કરવા જેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી આ ગણતરી કરવામાં આવે છે. ગણતરીને લીધે વિકટ સ્થિતિમાં ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતો અંગે કોઈ પણ નિર્ણય લેવો આસાન બની શકે છે.
મહત્વનું છે કે ડિજિટલ રીતે પશુધન વસ્તી ગણતરી માટે સરકારે ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વે કર્યો હતો. જેમાં અંતર્ગત ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી. ત્યારે કાલાવડ નગરપાલિકા વોર્ડ નં. 3 અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધનની ગણતરી કરાઈ હતી. આ ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનું પશુઓનો પણ સમાવેશ કરાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર