જામનગરના પ્રદર્શન મેદાનની 10 હજાર ચોરસ મીટર જગ્યા એસ.ટી. તંત્રને ફાળવવામાં આવી છે. જે બાદ એસ.ટી. તંત્ર દ્વારા કામચલાઉ એસ.ટી. બસ ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજથી જે તમામ રૂટની ટ્રીપ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જ મુસાફરોની લાઈનો લાગી હતી. બીજી બાજુ રિક્ષા ચાલકો અને સ્ટાફના આવાગમનને લઈ પ્રદર્શન ગ્રાઉન્ડનું હંગામી બસ સ્ટેન્ડ ધમધમતું થયું હતું.
જૂના બસ સ્ટેશનને 55 વર્ષ થયા
બીજી તરફ જામનગરમાં 1970થી કાર્યરત જૂનો એસ.ટી. ડેપો આજે સેવા નિવૃત્ત થયો છે. 55 વર્ષ સુધી લોકોએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો. 1971ની લડાઈ, ત્યારબાદ વાવાઝોડું, અતિવૃષ્ટિ, ધરતીકંપ સહિતની કુદરતી હોનારત સામે પણ આ ડેપો અડીખમ રહ્યો હતો. જે આજથી બંધ થયો છે, જેને ભાંગીને તેના સ્થાને નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
14.48 કરોડના ખર્ચે બસ ડેપોનું નિર્માણ કરાશે
નવા બનનારા બસપોર્ટના સુવિધાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3375 ચોરસ મીટર બાંધકામમાંથી 371 ચોરસ મીટરમાં 13 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. સાથે 795 ચોરસ મીટરમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વેઇટિંગ હોલની સુવિધા, તેમજ બુકિંગ અને રિઝર્વેશન સાથે સાથે વિદ્યાર્થીઓ માટે અને ઇન્કવાયરી ઓફિસ, બાથરૂમ, પાણીની વ્યવસ્થા સાથેનો રૂમ, દુકાન સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ દોઢ બે વર્ષ જેટલા સમયમાં નવું બસ સ્ટેન્ડ શરૂ થઈ શકે તેમ છે. અંદાજે 14.48 કરોડના ખર્ચે બસ ડેપોનું નિર્માણ કરાશે.
આ પણ વાંચો: ખેડૂતે 4 પ્રકારના રીંગણ ઉગાડ્યા, દોઢ વીઘામાંથી સવા લાખની કમાણી
હંગામી બસ સ્ટેન્ડમાં કઈ બસ ક્યાં ઊભશે?
પ્લેટફોર્મ નંબર 1: ઈલેક્ટ્રીક બસ સર્વિસ રાજકોટ, અમદાવાદ, અંબાજી, વડોદરા, સુરત.
પ્લેટફોર્મ નંબર 2 અને 3: રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, અંબાજી, વડોદરા, સુરત.
પ્લેટફોર્મ નંબર 4: ધ્રોલ, જોડિયા, બાલાચડી, પડધરી, મોરબી, ભુજ, માંડવી, નારાયણ સરોવર. પ્લેટફોર્મ નંબર 5 અને 6: કાલાવડ, જૂનાગઢ, સોમનાથ, ઉના, અલીયાબાડા, આંકોલવાડી, ધોરાજી, નવી મોડ, સૂર્યપરા.
પ્લેટફોર્મ નંબર 7: લાલપુર, કેશોદ, પોરબંદર, ભાણવડ, માણાવદર, ભણગોર.
પ્લેટફોર્મ નંબર 8: દ્વારકા, હર્ષદ, ખંભાળિયા, ભાટીયા, પોરબંદર અને સિક્કા
પ્લેટફોર્મ નંબર 9 જામજોધપુર, બાંગા, સમાણા, ઉપલેટા, નવાગામ.
Jamnagar,Gujarat
March 17, 2025 2:35 PM IST