Jamnagar : જામનગરમાં રણજીત નગર રોડ પર પરમદીને રાત્રે એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે હિંચકારો હુમલો થયો હતો, જે મામલે ત્રણ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 51 માં રહેતો ધવલ ચંદ્રકાંતભાઈ ચાંદ્રા નામનો 28 વર્ષનો યુવાન પરમ દિને રાત્રે રણજીત નગર રોડ તરફના માર્ગેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન તેના ઉપર પારસ ઉર્ફે ડોન હરીશભાઈ જોઈસર, દીપ મનોજભાઈ ચાંદ્રા અને અક્ષય દીપકભાઈ નંદા નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી છરી વડે પગમાં ઇજા પહોંચાડી હતી. જેથી તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, દરમિયાન પોલીસ ટુકડીએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા પછી ઇજાગ્રસ્ત ધવલનું નિવેદન નોંધ્યું હતું, જે નિવેદનમાં પૈસાની ઉઘરાણીના મામલે ત્રણેય શખ્સોએ પોતાના ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જેના અનુસંધાને ત્રણેય હુમલાખોરો સામે પોલીસે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.