Jamnagar Crime : જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન એક માછીમારી બોટનો સંચાલક પોતાને મળેલી પરમિટ કરતાં વધારે ક્રૂ મેમ્બર લઈને માછીમારી કરવા જઈ રહ્યો હોવાથી પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે બેડી મરીન પોલીસ મથકમાં પરમિટ ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો ઓસમાણ ગની મુસાભાઇ ભોકલ નામનો માછીમાર યુવાન ‘ફૈજે અસમતઅલી’ નામની માછીમારી બોટ ધરાવે છે, જેમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવીને કુલ ત્રણ ક્રૂ મેમ્બરની પરમીટ મેળવી હતી, અને તેને ત્રણ ક્રૂ મેમ્બર સાથે દરિયામાં માછીમારી કરવાની છૂટ હોય છે.
પરંતુ ગઈકાલે પોતાની માછીમારી બોટમાં એક વધુ મેમ્બરને સાથે રાખીને દરિયામાં ઊતર્યો હોવાથી ચેકિંગ દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેઓએ જાતે ફરિયાદી બની બોટ સંચાલક ઓસમાણ ગની મુસાભાઈ સામે પરમીટ ભંગ અંગેની ગુજરાત ફિશરિઝ એક્ટની કલમ 21(1) ચ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં બોટ ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે.