Jamnagar Police : જામનગરના દરબારગઢ થી બર્ધન ચોક થઈને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને કાયમી માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સમગ્ર રસ્તો ખુલ્લો રહે તેના માટે બર્ધન ચોક વિસ્તારમાં હંગામી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા 10 ફૂટ બાય 6 ફુટના માપ સાઈઝની હંગામી ચોકી ઉભી કરવામાં આવી રહી છે, જેનો નિર્માણ કાર્ય બે દિવસમાં પૂર્ણ થવાના આરે છે.
આગામી સોમવારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે, ત્યાર પછી તેમાં એસ્ટેટ વિભાગના સ્ટાફની સાથે પોલીસી વિભાગના કર્મચારીઓ ફરજમાં જોડાશે.
આ ચોકીમાં સવારે 9.00 વાગ્યાથી છેક રાત્રીના 9.00 વાગ્યા સુધી એસ્ટેટ શાખાના 4 કર્મચારીઓ અને 4 પોલીસ કર્મચારીઓ ફરજ પર ગોઠવાશે અને ઉપરોક્ત તમામ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દબાણ સર્જાય નહીં, તેની સંપૂર્ણપણે જવાબદારી નિભાવશે. જે અંગેનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી સહિતની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પોલીસ વિભાગ તરફથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડાનો સહયોગ મળી રહ્યો છે.