Last Updated:
મહિસાગર જિલ્લાના ચિત્રકાર બીપીન પટેલે દરરોજ એક ચિત્ર તૈયાર કરવાનો નિયમ લીધો છે. આ નિયમને નિભાવતા તેઓ અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. તેઓને યુનેસ્કો તરફથી 3 એવોર્ડ પણ મળ્યા છે.
જામનગર: રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેન્ટિંગ વિભાગમાં વિજેતા બનેલા કલાકારો માટે જામનગરમાં કન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન આ કલાકારોના ચિત્રકામ પૂર્ણ થયા બાદ તેઓ દ્વારા તૈયાર કરેલા પેન્ટિંગનું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં એવોર્ડ જીતેલા કલાકારો પણ ભાગ લેશે. મહિસાગરના મૂળ વતની બીપીનભાઈ પટેલ અદ્ભુત ચિત્રો દોરે છે. તેમના ચિત્રને નિહાળનાર બે ઘડી થંભી જાય છે.
જામનગરમાં મહીસાગર જિલ્લાના બીપીનભાઈ પટેલે જણાવ્યું કે, “મેં દૈનિક રીતે એક ચિત્ર દોરવાનો નિત્યક્રમ બનાવ્યો છે. 17 મે 2016થી આ પ્રણાલી સાથે હું જોડાયો છું. મેં અત્યાર સુધીમાં 3228 જેટલા ચિત્રો દોર્યા છે. છેલ્લા 20 વર્ષમાં જ્યાં પણ આર્ટ કેમ્પ યોજાય છે, ત્યાં હું હાજરી આપું છું. મને અત્યાર સુધી ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં યુનેસ્કોના 3 એવોર્ડનો સમાવેશ થાય છે.”
કળાને નસીબ કેમ ન બનાવાય: ચિત્રકાર બીપીન પટેલ
બીપીનભાઈએ આગળ જણાવ્યું કે, “મેં કળા સાથે જીવવા માટે જોબ છોડી દીધી હતી. કોરોના પહેલાં જ મેં આ નિર્ણય લીધો અને પોતાની કળાને નસીબ બનાવી લીધું. હું રોજ એક ચિત્ર દોરવાના મારા પ્રણને પૂરું કરું છું. જામનગરમાં પ્રથમ ઐતિહાસિક સ્થળોના ફોટોગ્રાફ કર્યા અને ત્યારબાદ આ ફોટાઓને આધારે ચિત્ર દોરવાનું શરૂ કર્યું. વોટર કલર મારો મુખ્ય વિષય હતો.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “કળા બહુ નસીબદાર લોકોને મળતી હોય છે. ત્યારે કળાને જ નસીબ કેમ ન બનાવાય. મારી અંદરથી પ્રેરણા લઈને પણ ઘણા લોકો આગળ વધ્યા છે. જેથી મારો પણ ઉત્સાહ બમણો થતો ગયો. મારી આ અવિરત યાત્રા ચાલુ જ રહેશે.”
આ પણ વાંચો: રેટ કિલરની જરૂર નથી! રસોડાની આ 5 વસ્તુઓથી જ ઉંદર ભાગી જશે ઘરની બહાર
હાલમાં સ્પર્ધામાં બીપીનભાઈની અદ્ભુત કળાની છાપ જોવા મળી છે. તેમણે દરરોજ એક ચિત્ર દોરવાનો વિચાર કર્યો હતો અને જામનગરના ઐતિહાસિક પંચેશ્વર ટાવરનું આબેહૂબ ચિત્ર દોર્યું છે, જે જોઈને મોહક લાગે છે. આ વર્ષે જામનગરમાં આ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પ દરમિયાન 22 થી 23 માર્ચે ટાઉન હોલ ખાતે પેન્ટિંગનું પ્રદર્શન યોજાશે, જેમાં લોકો આ ચિત્રો જોઈ શકશે.
Jamnagar,Gujarat
March 21, 2025 7:57 PM IST