Last Updated:
Panipuri Business: જામનગરના નેહાબેને વર્ષ 2013માં ટેબલ ઉપર પાણીપુરી વેચવાની શરૂઆત કરી હતી. આજે તેમની બે બ્રાન્ચ છે. પાણીપુરીમાં કેંગન વોટરનો ઉપયોગ કરે છે. તેમજ 10 લોકોને રોજગારી આપે છે.
જામનગર: જામનગરમાં નેહાબેનની પાણીપુરી ખૂબ ફેમસ છે. અહીં પાણીપુરી ખાવા માટે લોકોની રીતસરની લાઈનો લાગે છે. જામનગરની મહિલાએ પરિવારને આર્થિક સહયોગ આપવાના ભાવ સાથે પ્રથમ ટેબલ ઉપર પાણીપુરી વેચવાની શરૂઆત કરી હતી. જે હાલ સફળતામાં પરિણમી છે અને આજે જુદી જુદી બે બ્રાન્ચ ચાલે છે. જેમાં 9 થી 10 લોકોને રોજગારી અપાઈ છે.
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર છ અને વિકાસ રોડ પર મેન્ટલ હોસ્પિટલ નજીક એક વૃક્ષની નીચે રેડ ટીશર્ટ અને કેપ પહેરીને પાણીપુરીની લારી લઈને એક પુરુષ અને સ્ત્રી ઉભેલા દેખાશે. જો તમે સાંજના સમયે જશો તો અહીં પાણીપુરીની લિજ્જત માણતી ચિક્કાર ભીડ જોવા મળશે. નેહાબેન અને તેમના પતિ તેજસભાઈ જેઠવા છેલ્લા 10 થી 12 વર્ષથી પાણીપુરીની લારી ચલાવી રહ્યા છે. આ દંપતી સવારે સૂપની લારી ચલાવે છે અને બપોર પછી પાણીપુરીની લારી ચલાવે છે.
નેહાબેનની પાણીપુરી સમગ્ર જામનગરમાં ખૂબ પ્રખ્યાત છે. તેમની આ પાણીપુરી ફેમસ હોવા પાછળનું મોટું કારણ તેઓ કેંગન વોટરનો ઉપયોગ કરે છે. કેંગન વોટરને સૌથી શુદ્ધ પાણી તરીકે ઓળખવામાં આવે છે. કેંગન વોટરથી શરીરમાં એસિડિટીના સ્તરમાં નિયંત્રણ કરે છે તથા પાચનક્રિયાને મજબૂત પણ કરે છે. કેન્સર, કોલેસ્ટ્રોલ વગેરે જેવી ગંભીર બીમારી થવાની સંભાવના ઘટાડે છે. આ સિવાય પણ કેંગન વોટરના અનેક ફાયદાઓ રહેલા છે.
આ અંગે નેહાબેને જણાવ્યું હતું કે, “અમે હાઈજીનનું સૌથી વધુ ધ્યાન રાખીએ છીએ. જેમ કે પાણીથી લઈને પુરી વગેરે બધું જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ.” જામનગરમાં નેહાબેનની પાણીપુરી ખાવા દૂર દૂરથી લોકો આવે છે. તો 12 ધોરણ ભણેલા નેહાબેનને પરિવારમાં સાસુ-પતિ અને એક દીકરો છે. નેહાબેને જણાવ્યું કે, “અમે લોકોને શુદ્ધ ખાવાનું આપીએ એ જ અમારો ધ્યેય છે.”
આ પણ વાંચો: કેરીના પાકમાં આ રોગ છે ખતરનાક, આવી રીતે કરો નિયંત્રણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની એડવાઈઝરી
નેહાબેને કહ્યું કે, “2013 માં અમે પરિવારને સપોર્ટ કરવા માટે ટેબલ નાખી પાણીપુરી વેચવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો અને હાલ અમે બે બ્રાન્ચ બનાવી છે. જેમાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોને પણ રોજગારી આપીએ છીએ. સૌપ્રથમ આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી પરંતુ હાલ આ પાણીપુરીને લઈ અમારી સ્થિતિ સુધરી છે.” નેહાબેને જણાવ્યું કે, “ભારતમાં ચા પછી સૌથી વધુ પાણીપુરી ખવાય છે એટલા માટે મેં પાણીપુરીનો વ્યવસાય સિલેક્ટ કર્યો જેમાં હાર પાંચ ફ્લેવરમાં પાણીપુરી આપીએ છીએ.”
Jamnagar,Gujarat
March 05, 2025 3:09 PM IST