Jamnagar Bribe Case : જામનગરના બારેક વર્ષ પહેલાના લાંચ કેસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલને અદાલતે ચાર વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.
પોલીસ બેડામાં ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા રાજેન્દ્રસીંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગના ગુના બદલ કેસ નોંધાયો હતો. જે કેસમાં જામીન ઉપર છૂટવા માટે રૂ.15 હજારની લાંચની માંગણી તત્કાલીન પોલીસ સબ ઈન્સ. દશરથસિંહ ભગુભા જાડેજાએ કરી હતી. અને પીએસઆઇના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરે રૂપિયા 5000 ની લાંચની રકમ સ્વીકારી હતી.
તથા બાકીની રૂ.10,000 ની રકમ માટેનો વાયદો કર્યો હતો. તથા રાજેન્દ્રસિંહના મિત્ર જુવાનસીંહ તેજુભા રાઠોડનું નામ સહઆરોપી તરીકે નહી ખોલવા અને તેનું સ્કૂટર કબ્જે નહી કરવા માટે રૂ.30 હજારની વધુ લાંચની માંગણી કરવામાં આવી હતી.
આ અંગે તા.31-10-2012ના રોજ લાંચ રૂશ્વત વિરોધી શાખા-રાજકોટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી લાંચ રૂશ્વત વિરોધી શાખાના સ્ટાફે દરોડો પાડીને પોલીસ કર્મચારીને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ અદાલતના ન્યાયમૂર્તિ વી.પી.અગ્રવાલ સમક્ષ ચાલી જતાં બંને આરોપીને ચાર વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કર્યો હતો.