Jaipur CNG Tanker Blast CCTV VIDEO : જયપુર-અજમેર હાઈવે પર શુક્રવારે ભયાનક અકસ્માત સર્જાયો છે. એક ગેસના ટેન્કરે પેટ્રોલ પંપની સામે અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે ભયંકર આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાઈવે પાસે આવેલી એક પ્રોપર્ટીમાં પણ આગ લાગી હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં ભયંકર તબાહીના દ્રશ્ય જોવા મળે છે. બીજા વીડિયોમાં ટેન્કર અન્ય વાહનો સાથે ટકરાયા બાદ રસ્તા પર ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.
દુર્ઘટનામાં 11 લોકોના મોત
અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત વારે લગભગ 5.30 વાગ્યે એક પેટ્રોલ પંપ પાસે થયો હતો, જેમાં ઘણા વિસ્ફોટો થયા હતા અને આગ 100-200 મીટરના વિસ્તારમાં ફેલાઈ હતી. આગમાં ફસાયેલી બસના મુસાફરોએ આ ભયાનક દ્રશ્ય વિશે જણાવ્યું હતું. એક જીવિત બચેલા યાત્રીએ કહ્યું હતું કે હું અને મારો મિત્ર રાજસમંદથી જયપુર જઈ રહ્યા હતા ત્યારે અમને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. બસનો દરવાજો બંધ હતો, તેથી અમે બારી તોડીને બહાર કૂદ્યા હતા. જે લોકો બચી શક્યા ન હતા તેઓ આગમાં ફસાઈ ગયા હતા.
પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જયપુર-અજમેર હાઇવે પર આગની ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માતના કારણે થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. દરેક મૃતકના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો – 21 ડિસેમ્બરે જોવા મળશે સૌથી મોટી રાત અને સૌથી નાનો દિવસ, જાણો શું છે આ પાછળનું કારણ
અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસર એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઇઝાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા. સીએમ ભજનલાલ શર્માએ વહીવટી અધિકારીઓ અને ડોકટરો સાથે વાત કરી હતી અને યોગ્ય સારવાર આપવાની સૂચના આપી હતી. તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લીધી હતી અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે જાણકારી લીધી હતી.