– ખેડા અને આણંદ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્રો અપાયા
– 200 થી 2000 ટકાના વધારાથી ઉભી થનારી પરિસ્થિતિથી લોકોને પોતાનું ઘર લેવું મુશ્કેલી બનશે
નડિયાદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. આ જંત્રીના દરોમાં સુધારો કરવા તેમજ વાંધા સૂચનોની મુદત વધારવા માંગણી ઉઠવા પામી છે. સરકારે કરેલા જંત્રીના દરોના વધારા સામે ચરોતરમાં વિરોધ ઉભો થયો છે. ત્યારે આણંદ જિલ્લામાં આણંદ શહેર લેન્ડ એન્ડ બિલ્ડર એસોસિએશન તેમજ ખેડા જિલ્લામાં નડિયાદ રિયલ એસ્ટેટ એન્ડ ડેવલોપર્સ એસોસિએશને વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
જિલ્લા કલેકટરોને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાયનું મહત્વનું યોગદાન છે. બાંધકામ વ્યવસાય પર ૨૮૦થી વધુ નાના મોટા ઉદ્યોગો નિર્ભર છે. શહેરી વિસ્તારોમાં સૌથી વધુ રોજગારી ઉભી કરવાની સાથે લોકોને મકાનની જરૂરિયાત પણ પૂરી કરે છે.
સરકાર દ્વારા અગાઉ જંત્રીના દરમાં ભારે વધારો કર્યો હતો. આમ છતાં પ્રવર્તમાન દરમાં ૨૦૦ ટકાથી ૨,૦૦૦ ટકાનો જંત્રીના દરોમાં વધારો કરીને તા.૨૦/૧૧/૨૪ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલી છે અને રાજ્યમાં આશરે ૪૦ હજારથી વધુ વેલ્યુ ઝોન છે. સરકાર પાસે પોતાની ટેકનીકલ ટીમ અને મશીનરી હોવા છતાં નવી જંત્રી તૈયાર કરવામાં દોઢ વર્ષ એટલે કે ૧૮ માસનો સમય કાઢી નાખ્યો હોવાનું જણાય છે. આમ છતાં તેની સામે વાંધા રજુ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટે ફક્ત ૩૦ દિવસનો સમય આપેલો છે. રાજ્યના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુધ્ધા નથી તેમજ ઘણા કિસ્સાઓમાં દર્શાવેલા દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધારે છે. આમ કોઈ પણ જગ્યાએ જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરાઈ નથી. નવી જંત્રીના અમલથી ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજા ઉપર આથક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિમાં અવરોધ સર્જાવાની સંભાવના રહેલી છે. ત્યારે વેલ્યુ ઝોનની જંત્રીનો સંપૂર્ણ અભ્યાસ કરી જંત્રીમાં સુધારો કરવા તેમજ વાંધા સૂચનો રજૂ કરવા આપેલી સમય મર્યાદા ઘણી ઓછી હોવાથી સમય મર્યાદા વધારવા માંગણી કરવામાં આવી છે.
દરોમાં સુધારો કરવા, વાંધા સૂચનોની મુદત વધારવા માંગણી
(૧) હાલમાં વાંધા સૂચન રજૂ કરવા અંગે જાહેર કરેલી અંતિમ તારીખ લંબાવીને તા. ૩૧/૦૩/૨૦૨૫ કરવામાં આવે.
(૨) વાંધા સૂચનો રજૂ કરવા ઓનલાઈન તથા ઓફલાઇન બંને વ્યવસ્થા કરાય.
(૩) વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજૂ કરવાની તક આપવામાં આવે.
(૪) બે ગામ કે બે ઝોનને અડીને આવતી જમીનો અંગે દર્શાવેલા સૂચિત દરમાં ખુબ જ અસમાનતા છે. જેથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરી અસામાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરૂપ વાસ્તવિક દર મેળવી શકાય.