- રસ્તાઓ પર વહેતી નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા
- સંખેડા કુમાર છાત્રાલયની તમામ રૂમોમાં પાણી ભરાયા
- દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પણ આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદને પગલે ગામની ભાગોલે કોલેજ અને જલારામ મંડુર વચ્ચે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદની સિઝનમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાતી હોય છે. આમ છતાં તંત્ર દ્વારા પાણીના કાયમી નીકાલ માટે કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અહીંયા પંચાયત દ્વારા પાણીના નીકાલ માટે પાઈપો નાખવામાં આવી હોવા છતાં પણ આજે વરસાદમાં પાણી ભરાયા હતા.
જુઓ VIDEO:
મૂશળધાર વરસાદને પગલે સંખેડા કુમાર છાત્રાલયના તમામ રૂમોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં અનાજ સહિત અનેક ચીજવસ્તુઓ પાણીમાં ગરક થઈ ગઈ છે.
કુમાર છાત્રાલયની ચારેય બાજુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તલાટી, ડેપ્યૂટી સરપંચ સિંઘમની જેમ ટ્રેક્ટર પર બેસીને છાત્રાલય પહોંચ્યા હતા અને બાળકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
સંખેડા ગર્લ્સ સ્કૂલ નજીકની દુકાનોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. સંખેડા-હાડોદ રોડ પર વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. અહીં સુદરનન સોસાયટી અને પેટ્રોલ પંપ નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. હાલ તો આ રસ્તા ઉપર પોલીસ પણ ખડકી દેવામાં આવી છે.